Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મેં કૂકને કહી દીધુઃ હવેથી ભોજનમાં ડુંગળી બંધઃ હસીના

વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું: બાંગ્લાદેશમાં ડુંગળીને કારણે મુશ્કેલી પડી રહી છે

નવી દિલ્હી, તા.પઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ શુક્રવારે ભારત-બાંગ્લાદેશ બિઝનેસ ફોરમને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવાથી બાંગ્લાદેશમાં મુશ્કેલી પડી રહી છે. મેં કૂકને કહી દીધું હવેથી ભોજનમાં ડુંગળી બંધ કરો.

હસીનાએ જણાવ્યું હતું કે, ડુંગળીને કારણે થોડી મુશ્કેલી પડી રહી છે. મને ખબર નથી કે તમે ડુંગળીની નિકાસ પર કેમ પ્રતિબંધ મૂકયો છે. મેં કૂકને જણાવી દીધું છે કે ભોજનમાં ડુંગળીનો ઉપયોગ કરવો નહીં. આગળથી કોઇ વસ્તુ પર રોક લગાવો તો પહેલાથી જણાવી દેજો. શેખ હસીનાએ આ વાત હિન્દીમાં સાંભળીને ત્યાં હાજર લોકો હેરાન થઇ ગયા હતા.

૨૯ સપ્ટેમ્બરે સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવી હતી. દેશમાં છેલ્લા એક માસમાં મહારાષ્ટ્ર સહિત ડુંગળી પકવતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી પાક બગડ્યો છે. જેને પગલે દિલ્હી સહિતના બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ૬૦-૮૦ સુધી પહોંચ્યો હતો. તહેવારો સમયે દેશવાસીઓને ડુંગળીના ઊંચા ભાવથી રાહત આપવા સરકારે ૫૦ હજાર ટનનો બફર સ્ટોક વેચવા કાઢ્યો છે.(૨૩.૪)

(10:13 am IST)