Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

માયાના ઇન્કારથી વધુ અસર નહીં થાય : રાહુલે દાવો કર્યો

સાથીઓ ઇચ્છશે તો વડાપ્રધાન બનશે : રાહુલ ગાંધીઃ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં માયાવતી સાથે જ રહેશે

નવી દિલ્હી,તા.૫: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, બસપના લીડર માયાવતી દ્વારા ગઠબંધન ન કરવાને લઇને પાર્ટીને કોઇ અસર થશે નહીં. રાહુલે કહ્યું હતું કે, જો સાથી પક્ષો ઇચ્છશે તો વડાપ્રધાન બનવાને લઇને પણ કોઇ વાંધો નથી. રાહુલે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની શક્યતાઓને માયાવતી અલગ થવાથી કોઇ અસર થશે નહીં. જો કે, રાહુલ ગાંધીએ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સાથે આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ સાથે તેમ પણ જણાવ્યું કે, લોકસબા ચૂંટણીમાં કોંગ્રેસને ઘણી વધારે સીટો પ્રાપ્ત થશે. એક મીડિયા સમુહ દ્વારા આયોજીત સમિટમાં રાહુલ ગાંધીએ એક પ્રશ્નનાં ઉતરમાં કહ્યું કે, વિપક્ષી દળો સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો કે ચૂંટણીમાં બે તબક્કાની પ્રક્રિયા હશે. પહેલા તબક્કામાં અમે એક થઇને ભાજપને હરાવીશું. ચૂંટણીનાં બીજા તબક્કામાં અમે વડાપ્રધાન અંગે નિર્ણય કરીશું. જો કે જો વિપક્ષ દળ અને સહયોગી દળ ઇચ્છે તો શું તેઓ (રાહુલ) વડાપ્રધાન બનવા માટે તૈયાર છે, તો રાહુલે જણાવ્યું કે, ચોક્કસ રીતે બનીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે, જો કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો તેઓ ચોક્કસ વડાપ્રધાન બનશે. જો કે રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સરકાર બનશે અને હું વડાપ્રધાન બનીશ તો પ્રથમ ત્રણ કામ કરીશ. લઘુ તથા મદ્યમ કદનાં ઉદ્યોગોનો મજબુત બનાવીશ. બીજું ખેડૂતોને અનુભવ કરાવીશ કે તેઓ દેશ માટે અત્યંત મહત્વપુર્ણ છે. મેડિકલ અને શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સ્વાસ્થય ક્ષેત્રે ભારતની તે સ્થિતી થઇ શકે છે જે તેલ ક્ષેત્રમાં સાઉદી અરબની છે. નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ અંગે ચર્ચા કરતા રાહુલે કહ્યું કે, મને નથી લાગતું કે દેશનાંકોઇ એક ચોક્કસ વર્ગ અંગે વિચારીને દેશને વિકસીત કરી શકો. સમસ્યા એ છે કે આજે અલગ અલગ સમુહોની વચ્ચે વાતચીત નથી થઇ રહી. નાના-મધ્યમ સ્તરનાં વેપારીઓ પર ધ્યાન આપવું પડશે. નોકરીઓ પેદા કરવી પડશે. તમામ લોકોની વચ્ચે સંવાદ સ્થાપિત કરવો પડશે. રાહુલે કહ્યું કે, જે પણ ખેડૂત માને છે કે તમે તેની જરૂરિયાત પુરી કરી  નહી શકો, જે ઉદ્યોગ જગત ઇચ્છે છે કે તેમની માંગ તમે પુર્ણ નહી કરી શકો તેમની સાથે તમારે સંવાદ સ્થાપિત કરવો પડશે. સંવાદથી જ સમાધાન આવશે. કોઇ પણ ગંભીર અર્થશાસ્ત્રી નોટબંધીનાં પક્ષમાં નહી હોય. તે ખુબ જ અતાર્કિક અને હાસ્યાસ્પદ પગલું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, જીએસટી અંગે અમારો વિચાર અલગ હતો.

(10:01 pm IST)