Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડી સરકારે ૧ તીરથી સાધ્યા અનેક નિશાન

જ્યારે ક્રૂડના ભાવ ઓછા હતા તો કેન્દ્રએ પેટ્રોલ-ડિઝલમાંથી કરી છે તગડી કમાણીઃ હવે રૂ. ૨.૫૦ ભાવ ઘટાડી ખેલ્યો રાજકીય દાવઃ વિપક્ષોની બોલતી બંધ કરી દીધીઃ પ.બંગાળ, કેરળ, કર્ણાટક, પંજાબ, દિલ્હી, આંધ્ર કે જ્યાં બીનભાજપી સરકાર છે તેઓ ઉપર આવ્યું પ્રેશર

નવી દિલ્હી, તા. ૫ :. કેન્દ્ર સરકારે એવા સમયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો છે કે જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા ભાજપ શાસિત રાજ્યો અને તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીમાં માંડ દોઢથી બે મહિનાનો સમય બાકી રહ્યો છે. ચૂંટણી પંચ આ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં લાગ્યુ છે અને આવતા કેટલાક દિવસોમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પણ થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા. અઢી રૂપિયાની રાહત આપતા પહેલા કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પર ટેકસથી પોતાની તિજોરી છલકાવી દીધી છે. બધા રાજયોએ પણ પેટ્રોલ અને ડીઝલના ટેકસ પરથી તગડી કમાણી કરી છે.

કેન્દ્રએ પેટ્રોલીયમ પેદાશોના ભાવ ઘટાડી એક તિરથી અનેક નિશાન સાધ્યા છે. ભાવ ઘટાડાથી હવે વિપક્ષોની બોલતી બંધ થઈ ગઈ છે. ૧૪ રાજ્યોએ તો ભાવ ઘટાડો અમલી બનાવી દીધો છે. જ્યાં ભાજપની સરકાર નથી. તે રાજ્યો દિલ્હી, આંધ્ર, કર્ણાટક, પ.બંગાળ, કેરળ, પંજાબ જેવા રાજ્યોમાં પણ ભાવ ઘટાડવા પ્રેસર આવ્યુ છે. જો આ રાજ્યો ટેકસ ઘટાડો કરી પ્રજાને રાહત ન આપે તો તેઓ પ્રજામાં અડખામણા થશે અને ભાજપને આ લોકોની ટીકા કરવાની તક મળશે. ભાજપને એક મુદ્દો મળી જશે. હવે તેઓ ટેકસ ઘટાડે તો પણ તેનો શ્રેય ભાજપને મળશે.

ઈંધણના ભાવમાં લગભગ અડધુ કેન્દ્ર અને રાજયોને ટેકસ સ્વરૂપે મળે છે. કેન્દ્ર પેટ્રોલ પર લીટરે ૧૯.૪૮ અને ડીઝલમાં ૧૫.૩૩ રૂ.ની એકસાઈઝ ડયુટી વસુલે છે. આ સિવાય રાજ્ય સરકારો તેના પર ૬ ટકાથી લઈને ૩૮ ટકા સુધી વેટ વસુલે છે. કેન્દ્રએ નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં પેટ્રોલ-ડીઝલ પર ૯ વખત એકસાઈઝ ડયુટી વધારી છે. આ દરમિયાન કેન્દ્રએ પેટ્રોલ પર ૧૧.૭૭ અને ડીઝલ પર ૧૩.૪૭ એકસાઈઝ ડયુટી વધારી પણ છે. ખાસ વાત એ છે કે, આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતા હતા એટલે કે ક્રૂડનો ભાવ ઘટતો હતો તો કેન્દ્રએ તેનો લાભ ગ્રાહકોને આપવાના બદલે ટેકસ વધારી ભાવો ઉંચા રાખ્યા અને ખૂબ કમાણી કરી હતી. સરકારની દલીલ હતી કે આનાથી ઓઈલ કંપનીઓની ખોટ ભરપાઈ થઈ જશે.

પેટ્રોલ અને ડીઝલ પર એકસાઈઝ ડયુટીમા વધારાને કારણે ૪ વર્ષમાં કેન્દ્રનું એકસાઈઝ કલેકશન ડબલ થઈ ગયુ છે. ૨૦૧૪-૧૫માં ૯૯,૧૮૪ કરોડ હતુ તે ૨૦૧૭-૧૮માં વધીને ૨.૩ લાખ કરોડ થઈ ગયુ છે. દરમિયાન રાજ્યોની વેટની આવક પણ વધી છે. ૨૦૧૪-૧૫માં રાજ્યોની વેટ આવક ૧.૩ લાખ કરોડ હતી તે ૨૦૧૭-૧૮માં વધીને ૧.૮૦ લાખ કરોડ થઈ છે.

આ વર્ષે એપ્રિલથી સપ્ટે. વચ્ચે ભારતીયોએ ૫.૪૭ લાખ કરોડ રૂપિયા પ્રત્યક્ષ કર તરીકે ચૂકવ્યા છે. જે ગયા વર્ષ કરતા ૧૭ ટકા વધુ છે. પર્સનલ અને કોર્પોરેટ ટેકસનું કલેકશન પણ ૧૯ ટકા વધ્યુ છે. જ્યારે ભારતીયો વધુ ટેકસ જમા કરાવે છે તેનો અર્થ એ છે કે, પહેલાથી વધુ લોકો ટેકસ ચૂકવી રહ્યા છે અને એ પણ અર્થ છે તે તેઓ વધુ કમાઈ રહ્યા છે. કોર્પોરેટસ દ્વારા એડવાન્સ ટેકસ કલેકશનમાં ૧૬ ટકા અને લોકો દ્વારા એવાડન્સ ટેકસ ભરવામાં  ૩૦   ટકાનો  વધારો  થયો  છે. (૨-૫)

(11:44 am IST)