Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

2018માં રૂપિયામાં 15 ટકાનું ગાબડું :હજુ વધુ નબળો પડીને 75નું લેવલ સ્પર્શે તેવી ભીતિ

ડોલરની સતત ડિમાન્ડ અને ક્રૂડની વધતી કિંમતથી રૂપિયામાં ધોવાણ :શેરબજારમાંથી મૂડી પાછી ખેંચાવવા લાગી

નવી દિલ્હી :ડોલર સામે રૂપિયો 73.57ના લેવલે બંધ આવ્યો હતો એક તબક્કે રૂપિયો 73.81ની તેની ઐતિહાસીક નીચલી સપાટીએ પહોંચ્યો હતો. 2018માં રૂપિયામાં 15 ટકાનું ગાબડુ નોંધાઇ ચૂક્યું છે. વિશ્વની મુખ્ય કરન્સી બાસ્કેટમાં ડોલર સતત મજબૂત બની રહ્યો છે.ઇમ્પોર્ટર તરફથી ડોલરની સતત ડિમાન્ડ અને ક્રૂડની ઉંચી કિંમતોના કારણે રૂપિયામાં દબાણ ઉભુ થયું છે જેના  કારણે 2018માં ડોલર સામે રૂપિયામાં 15 ટકાનું ગાબડુ નોંધાઇ ચુક્યું છે.

   જાણકારોના માનવા મુજબ ક્રૂડ ઓઇલની ઉંચી કિંમત, અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોર, કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારાની આશંકા, ઉપરાંત ડોલરમાં મજબૂતાઇ, ઘરેલૂ સ્તરે નિકાસમાં  ઘટાડો અને રાજકીય અસ્થિરતા જેવા કારણોસર રૂપિયામાં પીછેહટ થઇ રહી છે.

    શેરબજારમાંથી વિદેશી રોકાણકારો મૂડી પરત ખેંચવા લાગ્યા છે. જેના કારણે રોકાણકારોની ચિંતા વધી છે. એફઆઇઆઇ દ્વારા ચાલુ મહિને અત્યાર સુધીમાં 455.02 કરોડના મૂલ્યના શેરનું વેચાણ કરાયું છે. સપ્ટેમ્બર મહિનામાં આંકડો 1,488.96 કરોડ રૂપિયા હતો. જ્યારે કે ઓગષ્ટમાં એફઆઇઆઇ દ્વારા 262.72 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતુ. કારણોસર ડોલરની ડિમાન્ડ વધી રહી અને રૂપિયા પર પ્રેશર પડી રહ્યું છે.

   નોમુરાનું અનુમાન છે કે આગામી કેટલાક સપ્તાહમાં ડોલર સામે રૂપિયો હજુ પણ નબળો પડશે. અને 75નું લેવલ સ્પર્શ કરી શકે છે. જેનાથી ક્રૂડની ખરીદી વધુ મોંઘી થશે. ડોલરની વધતી ડિમાન્ડ, રાજકીય અનિશ્ચિતતા અને યુએસ ફેડ દ્વારા વ્યાજ દર વધારવાના સંકેતથી રૂપિયામાં વધુ ઘટાડો જોવાઇ શકે છે.

  છેલ્લા કેટલાક દિવસોથી રૂપિયો ઘટાડા સાથે નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. એશિયામાં રૂપિયો સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી બની ચુક્યો છે.

(12:00 am IST)