Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નવરાત્રીમાં વૈષ્‍ણોદેવી માતાજીના દર્શને જાવ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખજોઃ હેલીકોપ્ટર સુવિધા ઉપલબ્ધ

10 ઓક્ટોબરથી આદ્યશક્તિના પર્વની શરૂઆત થઇ રહી છે. નવરાત્રી દરમિયાન વૈષ્ણોદેવીની યાત્રાને આધ્યાત્મિક રીતે મહત્ત્વની માનવામાં આવે છે. તેથી આ સમયગાળા દરમિયાન વૈષ્ણોદેવીમાં ખૂબ ભીડ રહે છે. વૈષ્ણોદેવી યાત્રાને લગતી કેટલીક એવી વાત જે આ ટુર દરમિયાન ઉપયોગી થશે.

કટરાથી ભવન સુધીની પદયાત્રા

માતા વૈષ્ણોદેવીની ભવન સુધીની યાત્રા પહેલા શ્રદ્ધાળુઓ કટરામાં થોડો આરામ કરે છે. કટરાને વૈષ્ણોદેવીનું બેઝ કેમ્પ માનવામાં આવે છે. કટરાથી જ વૈષ્ણોદેવી મંદિર સુધીનું ચઢાણ શરૂ થાય છે. કટરાથી ભવન સુધીનું અંતર આશરે 13 કિમી અને ભૈરવ મંદિર 14.5 કિમી છે.

વાતાવરણને ધ્યાને લઇ નવરાત્રી છે શ્રેષ્ઠ સમય

વૈષ્ણોદેવી યાત્રા માટે નોરતા સૌથી શ્રેષ્ઠ સમય છે. જોકે, આ દરમિયાન ભીડ ખૂબ જ હોય છે. દર્શનાર્થીઓ માટે દરેક પ્રકારની સુવિધાઓ સંસ્થાન દ્વારા કરવામાં આવી છે. વાતાવરણ સ્વચ્છ રહેતાં હેલિકોપ્ટર રાઇડ પણ શક્ય છે. આ ઉપરાંત પાલખી અને ખચ્ચર પર બેસીને પણ યાત્રા કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન વધુ ઠંડી પણ નથી હોતી અને ગરમી પણ વધારે હોતી નથી. જોકે, સામાનમાં ગરમ કપડાં રાખવા જરૂરી છે કારણ કે ભવનમાં મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વધી જાય છે.

ક્યાં રોકાવું?

વૈષ્ણોદેવી બેઝ કેમ્પ કટરામાં રોકાણ માટે ઘણા બધા વિકલ્પ છે. દર્શનાર્થીઓ પોતાના બજેટ અનુસાર પસંદગી કરી શકે છે. અહીંયા અનેક મિડિયમ બજેટમાં સારી એવી હોટેલ પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં ધર્મશાળાઓ પણ છે વિના મુલ્યે રોકાણ માટેની સુવિધાઓ આપે છે. વૈષ્ણોદેવી શ્રાઇનબોર્ડ જ્યારે ભીડ વધારે હોય છે ત્યારે કટરામાં આવેલા નિહારિકા યાત્રી નિવાસમાં મફતમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. આ ઉપરાંત કટાર રેલવે સ્ટેશન પાસે વૈષ્ણોદેવી ધામ, કાલિકા ધામ, સરસ્વતિ ધામ, નિવાસ શક્તિ ભવન તથા આશીર્વાદ ભવન છે જે કટરા બસસ્ટેશન પાસે છે. આ ઉપરાંત ચિત્રકુટ ભવન છે જ્યાં 100રૂથી બેડ મળી રહે છે.

યાત્રી પહોંચ ખાસ લેવી

કટરાથી ભવન સુધીની યાત્રા માટે યાત્રી પહોંચી ખાસ લેવી જોઇએ. જેનું બુકિંગ કટરાથી થાય છે. આ ઉપરાંત શ્રાઇનબોર્ડની વેબસાઇટ ઉપરથી ઓનલાઇન પણ બુક કરાવી શકાય છે. પ્રત્યેક વ્યક્તિએ પોતાના આડીકાર્ડ ખાસ સાથે રાખવા જોઇએ.

શું ધ્યાનમાં રાખશો?

– વૈષ્ણોદેવી યાત્રા દરમિયાન કોઇ પ્રકારનો ચામડાનો સામાન માટે મંજૂરી નથી. તેથી પર્સ અથવા બેલ્ટ અગાઉથી જ બહાર કાઢી રાખવા. અન્યથા યાત્રા શરૂ થતા પહેલાં જ તે જમા કરી લેવામાં આવશે.

– પિક સિઝન દરમિયાન ખૂબ ભીડ હોય છે તેથી દર્શન માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.

– યાત્રા દરમિયાન પાલખી કે ખચ્ચર લેતા પહેલાં તેના ભાવ નક્કી કરી લો, તેમનું આઇડી કાર્ડ તપાસવાનું ભૂલતા નહીં. નક્કી કરેલી રકમ કરતા વધારે પૈસા ન આપવા

– ચઢાણ દરમિયાન પોતાની સાથે કોઇ ખાણી-પીણી કે ઘાબડાઓ ન લઇ જવા કારણ કે આ તમામ વસ્તુઓ રસ્તામાં મળી રહે છે.

આરતીનો સમય

દિવસમાં બે વખત માતા વૈષ્ણોદેવીની આરતી થાય છે. પહેલી આરતી સૂર્યોદય પહેલા અને બીજી આરતી સૂર્યાસ્ત બાદ કરવામાં આવે છે. આરતી દરમિયાન દર્શન અકટાવી દેવામાં આવે છે. લાઇન આગળ વધતી નથી.

હેલિકોપ્ટરથી યાત્રા

વૈષ્ણોદેવીની યાત્રા હેલિકોપ્ટરથી પણ કરી શકાય છે. જે કટરાથી ઉપડે છે અને સાંઝી સુધી પહોંચાડે છે. હેલિકોપ્ટરનું સિંગલટુરનું ભાડું 1005 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. કરંટ હેલી કાઉન્ટર તથા શ્રાઈનબોર્ડની વેબ સાઇટ ઉપરથી પણ ટિકિટ લઇ શકાય છે તથા બુકિંગ પણ કરી શકાય છે. ઓનલાઇન બુકિંગ માટે એકાઉન્ટ બનાવવું અનિવાર્ય છે.

(12:00 am IST)