Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પુત્રી ઇલ્તિજા માતા મહેબુબા મૂફતીને મળી શકશે સુપ્રીમકોર્ટે આપી મંજુરી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ સુરક્ષા કારણોસર મુફતીને કરાયા હતા નજરબંધ

નવી દિલ્હી,તા.૫: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ સુરક્ષા કારણોસર નજરકેદ કરાયેલા પીડીપી નેતા અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને હવે તેમના પુત્રી ઈલ્તિજા મુફ્તી મળી શકશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઈલ્તિજા મુફ્તીની અરજી પર સુનાવણી કરતા તેમને શ્રીનગર જઈને માતા મહેબુબા મુફ્તીને મળવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યાં મુજબ ઈલ્તિજા ગમે ત્યારે શ્રીનગર જઈને પ્રશાસનની મંજૂરી બાદ માતા મહેબુબા મુફ્તીને મળી શકશે. આ અગાઉ ગત અઠવાડિયે મહેબુબા મુફ્તીના માતા અને બહેને પણ મહેબુબાની મુલાકાત કરી હતી.

મહેબુબા મુફ્તીના પુત્રી ઈલ્તિજા મુફ્તીએ માતાને મળવાની માગણી કરતી એક અરજી સુપ્રીમમાં કરી હતી. મહેબુબા મુફ્તીને શ્રીનગરના ચશ્માશાહી રિસોર્ટમાં રાખવામાં આવ્યાં છે. ગુરુવારે તેમની અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ એસએ બોબડે તથા જસ્ટિસ એસએ નઝીરની બેન્ચે સુનાવણી કરી હતી.

તેમના તરફથી હાજર થયેલા વકીલ આકર્ષ કામરાએ કહ્યું હતું કે અરજીમાં જે પ્રકારે માગણી કરવામાં આવી છે તે બિલકુલ એવી જ છે જે પ્રકારે માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ ૨૮ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે તેમની પાર્ટીના બીમાર સહકર્મી મોહમ્મદ યુસુફ તારિગામીને મળવા માટે કરી હતી.

(3:58 pm IST)