Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વજુભાઇ રાજયપાલ તરીકે યથાવત જ

બંધારણીય જોગવાઇ મુજબ બીજો હુકમ ન થાય ત્યાં સુધી સળંગ જ ગણાય : આંધ્ર પ્રદેશમાં નરસિમન સતત ૯ાા વર્ષ રાજયપાલ તરીકે રહેલ

રાજકોટ, તા. ૫ :. કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાનો પાંચ વર્ષનો સમય ૩૧ ઓગષ્ટે પુરો થઈ ગયો છે. તેઓ આજની તારીખે પણ રાજ્યપાલ તરીકે યથાવત છે. પાંચ વર્ષ પછી રાજ્યપાલ આપોઆપ ભૂતપૂર્વ થઈ જાય તે બાબતને સત્તાવાર વર્તુળો સમર્થન આપતા નથી. રાજ્યપાલની નિમણૂક વખતે પાંચ વર્ષનો સમયગાળો દર્શાવવામાં આવતો નથી પરંતુ બીજો હુકમ ન થાય ત્યાં સુધી તેમ લખવામાં આવે છે. તે રીતે જોતા વજુભાઈ રાજ્યપાલ તરીકે યથાવત જ છે. તેમનો કાર્યકાળ લંબાઈ ગયાનું માનવામા આવે છે.

કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા ટોચના વર્તુળો એવુ જણાવે છે કે, વજુભાઈની કામગીરીથી સરકાર સંતુષ્ઠ છે. જો તેમને બદલવાના હોત અથવા નિવૃત કરવાના હોત તો અઠવાડીયા પહેલા પાંચ રાજ્યપાલોના હુકમ થયા તે વખતે જ તેમનો સમાવેશ થઈ ગયો હોત. તે વખતે યાદીમાં કર્ણાટક કે વજુભાઈનું નામ નથી તેનો મતલબ એવો થાય છે કે સરકાર વજુભાઈને રાજ્યપાલ તરીકે યથાવત રાખવા માગે છે. તેઓ આજેય રાજ્યપાલ તરીકે કાર્યરત જ છે. રાષ્ટ્રપતિ નવો હુકમ ન કરે ત્યાં સુધી તેઓ કર્ણાટકના રાજ્યપાલ તરીકે યથાવત રહેશે.

પાંચ વર્ષથી વધુ સમય એક જ રાજ્યમાં રાજ્યપાલ ન રહી શકાય તેવી માન્યતાનંુ ખંડન કરતા સત્તાવાર વર્તુળો જણાવે છે કે, પાંચ વર્ષ વર્ષનો સમયગાળો નહી પરંતુ રાષ્ટ્રપતિનો હુકમ નિર્ણાયક હોય છે. ભૂતકાળમાં આંધ્ર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે ઈએસએલ નરસીમન તા. ૨૩ ડીસેમ્બર ૨૦૦૯થી ૨૩ જુલાઈ ૨૦૧૯ સુધી સળંગ સાડા નવ વર્ષ જેટલો સમય રાજ્યપાલ તરીકે રહ્યા હતા.

(3:54 pm IST)