Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

યુપીના જૈનપુર જિલ્લામાં વિચિત્ર કિસ્સો : આઠ વર્ષના બાળકને કરડતા ઝેરી સાપ તડપી તડપીને મરી ગયો ; બાળકનું પણ મોત

કાંચળી બદલતી વેળાએ સાપ વધુ પીડાથી પસાર થતા અસ્વસ્થ થાય છે જો તે કોઈને કરડે છે, તો મોટાભાગનું ઝેર તેના મોંમાં પડતા સાપ મરી શકે છે.

ઉત્તરપ્રદેશના જૈનપુર જિલ્લામાંથી  વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. આઠ વર્ષના બાળકને ઝેરી સાપ કરડ્યો હતો. પરંતુ થોડા સમય પછી, સાપ તડપી તડપીને મરી ગયો. જો કે બાદમાં બાળકનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પરિવારમાં કરુણ કલ્પાંત મચી જવા પામ્યો હતો  સાપના મોત થયાના સમાચારને લઈને ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસ જૌનપુરના મુંગરાબાદ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બારાગાંવનો છે. અહીં આઠ વર્ષનો અંશ મૌર્ય પુત્ર કમલેશ મૌર્ય ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન એક ઝેરી સાપે તેને તેના પરિવારની સામે જ ડંખ મારી લીધો. બાળકને ડંખ માર્યા પછી સાપને પણ તકલીફ થવા માંડી હતી અને થોડા જ સમયમાં સાપનું મોત નીપજ્યું હતું. અંશની તબિયત લથડતાં પરિવાર તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા.

અહીં સારવાર બાદ પણ હાલતમાં કોઈ સુધારો થયો નથી. જ્યારે સ્થિતિ સુધરી ન હતી, ત્યારે પરિવારે તેને મછલીશહરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ અંશને મૃત જાહેર કર્યો હતો. બાળકને ડંખ માર્યા બાદ સાપ મરી જવાના સમાચાર મળતા ગામમાં ચકચાર મચી હતી ડોકટરોના જણાવ્યા મુજબ, સાપની કાંચળી બદલવા દરમિયાન, તે વધુ પીડાથી પસાર થાય છે અને અસ્વસ્થ રહે છે. આ સમય દરમિયાન, જો તે કોઈને કરડે છે, તો મોટાભાગનું ઝેર તેના મોંમાં પડે છે. આ કારણે સાપ મરી શકે છે.

(1:12 pm IST)