Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સાઉદી અરેબીયાએ વીઝાના નિયમો હળવા બનાવ્યા ૫૧ દેશોના નાગરીકોને ૩૦ મીનીટમાં ઓન એરાઇવલ વીઝાની સવલત

જેહાદ તા ૫  :  સાઉદી અરેબીયા ૨૭ સપ્ટેમ્બરે વીઝાના નવા નિયમો અમલી બનાવશે, જેમાં ૫૧ દેશોના નાગરીકોને દેશની મુલાકાત માટેની પરવાનગી મળશે તેમ સરકારી સુત્રોએ જણાવ્યું છે.

સુત્ર અનુસાર વીઝાની ફી ૩૦૦ સાઉદી રીયાલની સાથે ૧૪૦ સાઉદી રીયાલ મેડીકલ, ઇન્સ્યોરન્સ ફીના પણ દરેક અરજદારે ભરવાની રહેશે. વીઝાની મુદત એક વર્ષની રહેશે પણ એક મુલાકાત દરમ્યાન વધુમાં વધુ ૩ મહીના અને વર્ષ દરમ્યાન ૧૮૦ દિવસથી વધારે નહી રહી શકાય.

આ વીઝા ઇલેકટ્રોનીક પ્લેટફોર્મ દ્વારા ૩૦ મીનીટમાં મેળવી શકાશે અથવા મુસાફર જયારે સાઉદી અરેબીયા પહોંચે ત્યારે ઓન એરાઇવલ વીઝા મેળવી શકશે તેના માટે રીટર્ન ટીકીટ અથવા હોટેલ રીઝર્વેશન દર્શાવવાની જરૂર નહીં પડે. ફકત પ્રવાસીનું સરનામુ જ પુરતુ થઇ પડશે. આ વીઝાની હાર્ડ કોપીની જરૂર નહીં પડે, ડીજીટલ કોપી પણ ચાલશે. પ્રવાસીનો પાસપોર્ટ વીઝાના સમય ગાળામાં ૬ મહીના માટે વેલીડ હોવો જરૂરી છે.

મુસ્લિમ પ્રવાસીઓ હજની સીઝન ન હોય ત્યારે આ વીઝા હેઠળ મક્કામાં પ્રવેશ, મદીનાની મુલાકાત અને કોઇપણ સાઉદી  શહેરના પ્રવાસનો લાભ લઇ શકશે. આ વીઝા માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જરૂરી છે. તેનાથી ઓછી વય ધરાવનારે ૧૮ વર્ષથી વધુ વય ધરાવનાર એક સાથીદાર સાથે રાખવો જરૂરી છે.

રીયાધમાં કિંગખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કિંગ અબ્દુલ અઝીઝ એરપોર્ટ, દમામનું કિંગ શહદ કોઝવે, મદીનાનું પ્રિન્સ મહમ્મદ બિન અબ્દુલ અઝીઝ એરપોર્ટ અને અલબાથા લેન્ડ ક્રોસીંગ ખાતેથી ઓન એરાઇવલ વીઝા મેળવી શકાશે.

સુત્રોએ કહયું કે આ પગલાથી દુનિયાના લોકો સાઉદી અરેબીયાની ભવ્યતાનું દર્શન કરી શકશે અને દેશને પેટ્રોલિયમ ઉત્પાદન સિવાયની આવક મળશે.

સુત્ર અનુસાર, પ્રવાસીઓ વીઝા મેળવવા માટે સહી કરેલી અરજી પહેલાથી આપવાની રહેશે. અગત્યની વાત એ છે કે, અરજીમાં આપવામાં આવેલ વિગતો અને દસ્તાવેજો સાચા હોવા જોઇએ અને સાઉદીના કાયદા અને નિયમો પ્રવાસીને બંધનકર્તા રહેશે. તેમણે સાઉદીના ઇસ્લામિક  કાયદાઓ અને અહીંના લોકોની રસમોને માન આપવાનું રહેશે. તેનો ભંગ કરનાર પ્રવાસીને દેશમાં પ્રવેશ આપતા રોકવાનો અને તેના દેશમાં પાછો મોકલી આપવાનો સાઉદીને અધિકાર રહેશે.

૨૦૨૦ના પહેલા ત્રિમાસીક ગાળામાં આનો લાભ મેળવનાર દેશની સંખ્યામાં વધારો કરાશે. અત્યારે જે દેશોના નામ સામેલ છે તેમાં અમેરિકા, કેનેડા,બ્રિટન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરીયા, ઇટલી, આઇસલેન્ડ, ફ્રાન્સ, નોર્વે, સ્પેન, ગ્રીસ, નેધરલેન્ડ, રોમાનીયા, ક્રોએશીયા, સ્વીડન, ડેન્માર્ક, એસ્ટોનીયા, ફીન લેન્ડ, સીંગાપોર, મલેશીયા, કઝાકીસ્તાન, રશિયા, ઓસ્ટ્રીયા, બેલ્જીયમ, પોલેન્ડ, ચીન, હોંગકોંગ અને બલ્ગેરીયાનો સમાવેશ થાય છે.

નવા ઇ-વીઝા અમેરીકા, સ્કેન્ધન એરીયાના સભ્ય દેશો, ઓસ્ટ્રેલીયા, જાપાન, દક્ષિણ આફ્રીકા, બ્રુનેઇ, મલેશીયા, સિંગાપોર અને તાઇવાનના નાગરીકોને મળી શકશે. આ યાદી હજુ સુધી નક્કી નથી કરવામાં આવી અને તેમાં વધુ કેટલાક દેશોના નામ ઉમેરાઇ શકે છે.

(12:57 pm IST)