Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મ્યુચ્યલફંડનું રીટર્ન પીપીએફથી પણ ઓછુ

પીપીએફના ૮.૨૧% રીટર્ન સામે મ્યુચ્યલફંડનું રીટર્ન ૭.૭૯%

નવી દિલ્હી તા. ૦૫: અર્થ વ્યવસ્થામાં મંદીની અસર મ્યુચ્યલફંડ રોકાણો પર પણ થઇ છે. પાંચ વર્ષના સરેરાંશ રિટર્નની વાત કરીએ તો પીપીએફએ મ્યુચ્યલફંડને પાછળ રાખી દીધુ છે.

પીપીએફએ ૨૦૧૪-૧૯ દરમ્યાન સરેરાશ ૮.૨૧ ટકા રીટર્ન આપ્યુ છે. જ્યારે લાર્જ કેમ્પ મ્યુચ્યલફંડએ ૭.૭૯ ટકા સરેરાશ રીટર્ન આપ્યુ છે. મિડક્રેપ અને સ્મોલ કેપે થોડુ સારૂ પ્રદર્શન કરતા ક્રમશઃ ૯.૫૧ ટકા અને ૯.૩૯ ટકા રીટર્ન આપ્યુ છે. આમ જોખમ વગરના પીપીએફમાં વધારે રીટર્ન મળ્યુ છે.

જો કે નિષ્ણાંતોુ કહેવુ છે કે મ્યુચ્યલફંડમાં રીટર્ન ઓછુ મળવાનો અર્થ એવો નથી કે બધુ ખલાસ થઇ ગયુ છે. જો ૨૦૦૨-૦૩ દરમ્યાનની પરિસ્થિતી જોઇએ તો ત્યારે પણ જીડીપીના દર ઓછા હતા પણ ઈકવીટી રોકાણકારોને સારૂ રીટર્ન મળ્યુ. જ્યારે બજારમાં રોરોનું મૂલ્યાંકન આકર્ષક હોય છે તો મ્યુચ્યલફંડ રોકાણકારોને  વધુ યુનિટ એલોટ થાય છે. અત્યારે એવી જ પશ્રિસ્થિતી છે. આગામી સમયમાં તેનો ફાયદો રોકાણકારોને મળશે.

શેરબજાર સાથે જોડાયેલુ કોઇ પણ રોકાણ જોખમભરેલુ હોય છે. બજારમાં મંદી આવે તો વધારે નુકશાન અને તેજી આવે તો ફાયદો પણ બંપર થાય છે. અત્યારનો સમય મ્યુચ્યલફંડમાં રોકાણ બંધ કરવાનો અથવા કરેલા રોકાણને ઉપાડવાનો સમય નથી.

સરકારે અર્થ વ્યવસ્થાની મંદી સમાપ્ત કરવા ઘણાં પગલા લીધા છે. તેની અસર થવામાં સમય લાગશે. આ સાથે જ સરકારે ઘણા મોરચે પગલાઓ લેવા પડશે. ત્યાર પછી જ અર્થ વ્યવસ્થામાં તેજી તરફ આગળ વધશે. અર્થ વ્યવસ્થા ની ઝડપ વધશે તો શેર બજારમાં પણ તેજી આવશે.

(11:54 am IST)