Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ત્યારે પુતિનની પાછળ ઉભા હતા મોદી

રૂસમાં મોદીને યાદ આવ્યા વાજપેઇઃ ૧૮ વર્ષ પહેલીની તસ્વીર જારી કરી

નવી દિલ્હી, તા.પઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રશિયાના પ્રવાસ પર છે અને ૨૦માં વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલનમાં પણ ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા. રશિયાના પ્રેસિડન્ટ પુતિન સાથે સંયુકત સ્ટેટમેન્ટમાં તેમણે પહેલા સંમેલનને યાદ કરતા કહ્યું કે, ૨૦૦૧માં તેની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું કે, 'એ સમયે પુતિન પ્રેસિડન્ટ હતા અને હું અટલજીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવ્યો હતો. તે પછી અમારા બંનેની મિત્રતાની સફર આગળ વધી.' પીએમ મોદીએ ૨૦૦૧ના પહેલા શિખર સંમેલનને યાદ કરતા કેટલીક તસવીરો પણ ટ્વિટ કરી.

પીએમ મોદીએ એક તસવીર શેર કરી, જેમાં તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાજુમાં બેઠા છે અને બીજી તરફ પુતિન બેઠા છે. એક અન્ય તસવીરમાં પુતિન અને અટલ બિહારી વાજપેયી સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. ખુરશીની પાછળ મોદી અને જશવંત સિંહ ઊભા છે. જશવંત સિંહ એ સમયે વિદેશ મંત્રી હતા. પીએમ મોદીએ લખ્યું કે, '૨૦માં ભારત-રશિયા સંમેલનમાં ભાગ લેતી વખતે મને ૨૦૦૧ યાદ આવી રહ્યું હતું, જયારે અટલજી વડાપ્રધાન હતા અને મને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રતિનિધિ મંડળમાં સામેલ કરાયો હતો.'

બે કલાક ચાલેલા સંમેલનમાં ઘણી સમજૂતીઓ થઈ. વિદેશ મંત્રાલય મુજબ ઓઈલ અને ગેસ, સંરક્ષણ, ખનન, હવાઈ અને દરિયાઈ કનેકિટવિટી, ન્યૂકિલયર એનર્જી, ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, વેપાર અને રોકાણ સંબંધી વિષયો પર વાત થઈ. પીએમ મોદીએ કહ્યું કે, ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ માટે મળેલું આમંત્રણ ઘણા સન્માનનો વિષય છે. તેમણે કહ્યું કે, ૨૦ વર્ષોમાં આ વ્યવસ્થાએ આપણા સંબંધોને ૨૧મી સદીને અનુરૂપ ઢાળ્યા છે અને વિશ્વ માટે શાંતિ, પ્રગતિ અને સ્થાયિત્વનું વિશેષ કારક બનાવ્યું છે.(૨૩.૪)

(10:00 am IST)