Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

બિહાર સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રચંડ આગ લાગી ગઈ

ટ્રેનમાં કોઇ વ્યક્તિ નહીં હોવાથી જાનહાનિ ટળી : દરભંગા સ્ટેશન પર લાગેલી આગની ઘટનામાં ઉંડી તપાસ

પટણા, તા. ૫ :  બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં ભીષણ આગ ફાટી નિકળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલવે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. મળેલી માહિતી મુજબ જે વખતે ટ્રેનમાં આગ ફાટી નિકળી ત્યારે ટ્રેનમાં કોઇપણ વ્યક્તિ ન હતી. ટ્રેન ગુરુવારના દિવસે આજે સવારે ખુલનાર હતી. દરભંગા સ્ટેશનમાં દરભંગા-નવી દિલ્હી સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ભીષણ આગ ફાટી નિકળ્યાની ઘટના અંગે માહિતી મળતા અફડાતફડી મચી ગઈ હતી. તરત જ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, ભીષણ આગ હોવાથી સ્થિતિ પર કાબૂ મેળવવામાં ખુબ સમય લાગ્યો હતો.

          આ મામલામાં માનવામાં આવી રહ્યું છે કે સમસ્તીપુર રેલવે મંડળના કેટલાક ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે રવાના થઇ ચુક્યા છે. અધિકારીઓના કહેવા મુજબ આગ ફાટી નિકળવાના કારણ અંગે હજુ માહિતી મળી નથી પરંતુ રિપોર્ટ સામે આવ્યા બાદ જ માહિતી મળી શકશે. બીજી બાજુ આગ ફાટી નિકળવાના કારણોમાં તપાસ કર્યા બાદ જે લોકો દોષિત આવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અગ્નિકાંડ બાદથી રેલવે તંત્રમાં પણ ભારે ખળભળાટ મચી ગયો હતો. જો કે, સદનસીબે જાનહાનિ ટળી જતાં તંત્રએ રાહત અનુભવી છે. તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ દોષિત લોકો ઉપર કઠોર કાર્યવાહી કરવામાં આવનાર છે. બીજી બાજુ દરભંગા રેલવે સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ સંદર્ભમાં હજુ સુધી કોઇ નક્કર માહિતી આપવામાં આવી નથી. જો કે, જાનમાલને નુકસાન ટળી જતાં રેલવેને પણ રાહત થઇ છે. કારણ કે, હાલના દિવસોમાં મોટી રેલવે દુર્ઘટનાઓ પણ થઇ ચુકી છે જેથી બિહાર સંપર્કક્રાંતિ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં આગના કારણમાં તપાસ હાથ ધરાઈ છે.

(7:55 pm IST)