Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

વારાણસી જઈને જીવિત પત્નીઓના અંતિમ સંસ્કાર કેમ કરી રહ્યા છે પતિ?

વારાણસી- દેશભરના મોટી સંખ્યામાં પતિ પોતાની જીવિત પત્નીઓના અંતિમ સંસ્કાર અને પિંડદાન કરવા માટે મોક્ષ નગરી વારાણસી જઈ રહ્યા છે. પાછલા થોડાક દિવસોમાં 160 લોકોએ કાશીમાં પોતાની જીવિત પૂર્વ પત્નીઓના અંતિમ સંસ્કાર કર્યા. પહેલા પણ ઘણાં લોકો આમ કરી ચુક્યા છે.

લોકો પોતાની પત્નીઓના ઉત્પીડનથી પરેશાન છે. તેમણેનારીવાદની સમસ્યાઓનો સામનો કરવા માટે વારાણસીના ઘાટ પર તાંત્રિક પૂજા પણ કરાવી. પત્ની પીડિત પતિ NGO સેવ ઈન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. લોકોએ વારણસીમાં ગંગા ઘાટ પર પિંડદાન અને શ્રાધ્ધ કર્યું જેથી અસફળ લગ્નની કડવી યાદોથી મુક્તિ મળી શકે.

મુંબઈમાં રહેતા અને સેવ ઈન્ડિયા ફેમિલી તેમજ વાસ્તવ ફાઉન્ડેશનના અધ્યક્ષ અમિત દેશપાંડે જણાવે છે કે, પૂજા એટલા માટે કરાવવામાં આવે છે જેથી પતિ લગ્નની કડવી યાદોમાંથી મુક્ત થઈ શકે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં ભાજપના સાંસદ હરિનારાયણ રાજભરે જ્યારે ઉત્પીડનનો શિકાર પતિઓ માટે એક આયોગ બનાવવાની વાત કહી હતી ત્યારે ત્યાં હાજર દરેકે તેમની મજાક ઉડાવી હતી. પરંતુ સંસ્થા સાથે જોડાયેલા લોકો તેમનું સમર્થન કરે છે.

સેવ ઈન્ડિયા ફેમિલીના સંસ્થાપક રાજેશ વખારિયાએ નાગપુરથી ફોન પર કહ્યું કે, કહેવામાં આવે છે કે ભારત એક પુરૂષપ્રધાન સમાજ છે, પરંતુ પતિઓના અધિકારોના સંરક્ષણ માટે કોઈ કાયદો નથી. તેમની મુખ્ય ફરિયાદ દહેજ વિરોધી કાયદાનો દુરૂપયોગ કરીને પતિઓને કરવામાં આવતી હેરાનગતિ સામે છે.

તેમણે જણાવ્યું કે, ઉત્પીડનનો શિકાર પતિઓની મુખ્ય ફરિયાદ આર્ટિકલ 498A સામે છે. કાયદાનો દુરૂપયોગ કરીને પતિઓને બ્લેકમેલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 2017માં સુપ્રીમ કોર્ટની બે જજોની પીઠ દ્વારા દહેજ વિરોધી કાયદાના દુરૂપયોગને રોકવા માટે અનેક નિર્દેશ આપવામાં આવ્યા હતા.

જો કે પછીથી CJIની અધ્યક્ષતા વાળી 3 સભ્યોની બેન્ચે નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી અને કેસમાં કાયદાકીય સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા જેથી નિર્ણયની સમીક્ષા કરી કરાય.

(11:18 am IST)