Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ભારતમાં ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીનું નુકસાન ૧.૯ અબજ ડોલર

એર ઇન્ડિયાને રાહત પેકેજ આપવા માટે તૈયારીઃ વધતા જતાં ખર્ચ અને ઓછા ભાડાના કારણે એર ઇન્ડિયા અને જેટ એરવેઝ જેવી એરલાઈન્સને ભારે નુકસાન થયું

નવી દિલ્હી, તા. ૪: નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સેક્રેટરી આરએન ચૌબેઅ આજે કહ્યું હતું કે, સરકાર એરલાઈન્સ માટે રાહત પેકે જ ઉપર કામ કરી રહી છે. આ પેકજમાં એરલાઈન્સના ખર્ચને ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નેશનલ કેરિયર એર ઇન્ડિયાને ધિરાણના સ્વરૂપમાં કેન્દ્ર તરફથી ૨૧ અબજ રૃપિયાની ખાતરી મળી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, એર ઇન્ડિયા ઉપર હાલમાં ૫૦૦ અબજ રૃપિયાનું દેવું થયેલું છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં ૫૭.૬ અબજ રૃપિયાનું નુકસાન થયું હતું. એર ઇન્ડિયાને નુકસાન માટે જે કારણ રહેલા છે તેમાં એકબાજુ વધતા જતાં ફ્લુઅલના ખર્ચનો મામલો છે. બીજી બાજુ ઇન્ડિયન કેરિયર્સ માટે બીજી અનેક સમસ્યા રહેલી છે. ઓપરેટિંગ ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. ગ્લોબલ એવરેજ ૨૪ ટકા છે જ્યારે ભારતમાં આ આંકડો ૩૪ ટકાનો રહેલો છે. એર ઇન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે વારંવાર ખાતરી આપવામાં આવી ચુકી છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ભારતીય એરલાઈન્સ અથવા તો એવિએશન ઇન્ડસ્ટ્રીમાં નુકસાનનો આંકડો ૧.૯ અબજ અમેરિકી ડોલર સુધી અથવા તો ૧૩૫૫૭ કરોડ રૃપિયા સુધી પહોંચી શકે છે. એવિએશન કન્સલ્ટન્સ કંપનીના કહેવા મુજબ વધતા જતાં ખર્ચ અને ઓછા ભાડાના પરિણામ સ્વરૂપે એર ઇન્ડિયા અને જેટ એરવેઝ જેવી એરલાઈન્સના નુકસાનમાં વધારો થઇ રહ્યો છે. સોમવારના દિવસે એક રિપોર્ટ જારી કરીને આ અંગેની વાત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રૃપિયાની કિંમતમાં ઘટાડા અને સાથે સાથે ફ્યુઅલની કિંમત વધવાના લીધે હાલત કફોડી બનેલી છે. નુકસાનની ભરપાઈ માટે ટિકિટોની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટર ગ્લોબ એવિએશન લિમિટેડની ઇન્ડિગો એરલાઈન્સને બાદ કરતા કોઇપણ એરલાઈન્સની બેલેન્શીટ મજબૂત રહી નથી. ભારત દુનિયામાં સૌથી મોટા એવિએશન ડેસ્ટિનેશન તરીકે છે. અહીં એરલાઈન્સ કંપનીઓએ નવા સેંકડો એરબસ અને બોઇંગ વિમાન માટે ઓર્ડર આપેલા છે. વિમાનોમાં આશરે ૯૦ ટકા સીટો ભરાઈ ગયા બાદ પણ એરલાઈન્સોને નુકસાનની ભરપાઈ થઇ રહી નથી. આ સ્થિતિ એ વખતે છે જ્યારે છેલ્લા ચાર વર્ષના ગાળામાં સ્થાનિક યાત્રીઓની સંખ્યામાં બે ગણો વધારો થઇ ચુક્યો છે. ભારત દુનિયાના સૌથી સસ્તા ડોમેસ્ટિક એરલાઈન્સ માર્કેટ પૈકી એક છે. મુંબઈથી દિલ્હી માટે અઢી કલાકની ફ્લાઇટ માટે ૩૫૦૦ રૃપિયાના પ્રમોશનલ ટિકિટ સરળતાથી જોઇ શકાય છે. ભારત સરકાર એર ઇન્ડિયામાં  ડિસઇન્વેસ્ટમેન્ટ ઇચ્છે છે પરંતુ કોઇ યોગ્ય ખરીદદાર મળી રહ્યા નથી. ૭૬ ટકા હિસ્સેદારીની બોલી લગાવવા માટે કોઇ ખરીદદાર મળ્યા ન હતા.

(12:00 am IST)