Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પ્રશાંત કિશોરે પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ પ્રશાંત કિશોરે ઘોષણા કરી હતી કે તેઓ હવે ચૂંટણી રણનીતિકારની ભૂમિકામાંથી મુકત થશે

નવી દિલ્હી, તા.૫: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકારના પદથી રાજીનામું આપી દીધું છે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, પ્રશાંત કિશોરે કહ્યું કે, હું આપને મુખ્ય સલાહકારના રૂપમાં જવાબદારીઓ સંભાળવામાં સક્ષમ નથી. મારો આપને અનુરોધ છે કે મહેરબાની કરીને મને આ જવાબદારીમાંથી મુકત કરો. રિપોર્ટ મુજબ, પ્રશાંત કિશોરે કહ્યું કે, જેમ કે તમે જાણો છો કે હું જાહેર જીવનમાં સક્રિય ભૂમિકાથી થોડાક દિવસો આરામ ઈચ્છું છું, એવામાં આપના મુખ્ય સલાહકારના રૂપમાં જવાબદારીને સંભાળવામાં સક્ષમ નથી. ભવિષ્યમાં શું કરીશ, તેની પર હજુ કોઈ નિર્ણય નથી લીધો, તેથી હું આપને અનુરોધ કરું છું કે કૃપા કરીને મને આ જવાબદારીથી મુકત કરો.

નોંધનીય છે કે, પશ્યિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ પ્રશાંત કિશોરે દ્યોષણા કરી હતી કે તેઓ હવે ચૂંટણી રણનીતિકારની ભૂમિકામાંથી મુકત થશે. ત્યારબાદથી જ તેમની ફરી એક વાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. તેઓ થોડા વર્ષ પહેલા જનતા દળ (યૂ)માં સામેલ થયા હતા. પરંતુ બાદમાં પાર્ટીથી અલગ થઈ ગયા હતા.

શું હવે કોંગ્રેસમાં સામેલ થશે પ્રશાંત કિશોર?

કિશોરે આ નિર્ણય એવા સમયે લીધો છે જયારે તેમના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો તેજ થઈ છે. તેમના રાજીનામા બાદ આ અટકળોને વધુ બળ મળ્યું છે. પાર્ટી સૂત્રોએ ગયા મહિને જાણકારી આપી હતી કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ૨૨ જુલાઈએ એક બેઠક બોલાવી હતી અને તેનો મુખ્ય એજન્ડા પાર્ટીમાં સામેલ થવાની સ્થિતિમાં પ્રશાંત કિશોરને આપવામાં આવનારી ભૂમિકા અને તેનાથી પાર્ટીને થનારા લાભ-નુકસાન પર ચર્ચા કરવાનો હતો.

રાહુલ ગાંધીના નિવાસસ્થાન પર યોજાયેલી આ બેઠકમાં પાર્ટીન વરિષ્ઠ નેતા એ.કે. એન્ટની, મલ્લિકાર્જુન ખડગે, કમલ નાથ, અંબિકા સોની, હરીશ રાવત, કે.સી. વેણુગોપાલ અને અન્ય કેટલાક નેતા સામેલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં સામેલ મોટા ભાગના નેતાઓએ એ વાત પર સહમતિ વ્યકત કરી હતી કે પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં સામેલ થવાથી પાર્ટી માટે ફાયદારૂપ હશે. જોકે, કોંગ્રેસમાં સામેલ થવાને લઈને પ્રશાંત કિશોરે કોઈ પ્રતિક્રિયા નથી આપી. આ ઉપરાંત કોંગ્રેસે પણ આ વિશે અધિકૃત રીતે કોઈ નિવેદન આપ્યું નથી.

(3:28 pm IST)