Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

આ...હા...હા... દિલ ખુશ કરી દેતો નઝારો

દેવગઢ : સહેલાણીઓને મંત્રમુગ્ધ બનાવતો અને જંગલમાં છુપાયેલો ફરવાનો ખજાનો

મધ્યપ્રદેશની સાતપુડા પર્વતમાળાની સુરમ્ય ઘાટીમા પહાડોથી ઘેરાયેલ દેવગઢની ભૌગોલીક સ્થિતિ આશ્ચર્યચકિત કરી દે તેવી : માટીથી લઇને વૃક્ષો, આકાશનો ઘેરો રંગ અને પહાડો વચ્ચે વહેતી નદી પર્યટકોને રોમાંચીત બનાવે છે : ઇકો ટુરીઝમ પણ શકય : બહારથી ન દેખાતો દેવગઢનો કિલ્લો પુસ્તકના પાનાની જેમ ધીમે-ધીમે ખુલતો જાય છે! સદીઓ જૂના ૯૦૦ જેટલા કુવાઓ તથા ૮૦૦ જેટલી વાવ (બાવડીયા) હોવાની માન્યતા

રાજકોટ તા.પ : ફરવાના શોખીન સહેલાણીઓ હંમેશા ભારતભ્રમણ કરવાના ભાગરૂપે નવા નવા ડેસ્ટીનેશન્સ શોધતા હોય છે. આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમા લોકો પણ હવે વર્ષમાં એકાદ બે વખત સંજોગો મુજબ પ્રવાસનો વિકલ્પ પસંદ કરતા હોવાનુ જોવા મળે છે.

મધ્યપ્રદેશની સાતપુડા પર્વતમાળાની સુરમ્ય ઘાટીમાં પહાડોથી ઘેરાયેલુ દેવગઢ હકીકતે સહેલાણીઓને મંત્રમુગ્ધ બનાવતુ અને જંગલમાં છુપાયેલા ફરવાના ખજાના સમાન ડેસ્ટીનેશન છે. અહીની ભૌગોલીક સ્થિતી દિલને ખુશ કરી દે તથા આશ્ચર્યચકિત કરી દે તેવી છે. માટીથી લઇને અહીની વનસ્પતિઓ, આકાશનો ઘેરો રંગ અને પહાડો વચ્ચે ખળખળ વહેતી નદીઓ, પર્યટકોને રોમાંચીત બનાવી દે છે  અહી ઇકો ટુરીઝમની પણ અપાર સંભાવના રહેલી છે.

મધ્યપ્રદેશના છીંદવાડા જીલ્લામા આવેલ દેવગઢ જવાના રસ્તે જયારે શહેરનો ઝગમગાટ પાછળ મુકીને જંગલમાં પ્રવેશ કરીએ ત્યારે કોઇ ચિત્રકારની અનુપમ રચના જેવો નજારો જોવા મળે છે. માટીથી લઇને વનસ્પતિ અને આકાશના રંગો પણ ઘેરા થવા લાગે છે. ઉમરાનાળુ પાર કરીને જયારે પર્વતોના ઘાટ ઉતરવાનો સમય આવે છે. ત્યા સુધી કોઇ કલ્પના પણ નથી કરી શકતુ કે દૂર દૂર સુધી ફેલાયેલ આ જંગલોની પાછળ એક ઘાટી પણ હોય શકે છે કે જયા કયારેક એક વૈભવપુર્ણ નગર હતુ.

પહાડોથી ઘેરાયેલ એક સુરમ્ય ઘાટીનું નામ જ દેવગઢ છે. કટોરાનો આકાર ધરાવતી આ ઘાટી પ્રકૃતિ કુદરતે એ પ્રકારે રચી છે કે આ ઘાટીની સુરક્ષા માટે શોધી શોધીને પહાડોને રાખવામાં આવ્યા હોય. સોલો ફીમેલ ટ્રાવેલર કાયનાત કાજી જણાવે છે કે, દેવગઢની ઉતરમાં આવેલ પહાડ ખૈરગોંડી નામથી ઓળખાય છે. દક્ષિણમાં નાઇ ઘુન્ડી પહાડ છે, આનાથી જોડાયેલ જમણી બાજુ ડોરલી પહાડ દૂરથી કોઇ દિવાલ જેવો લાગે છે. તેનાથી આગળ પશ્ચિમ દિશામાં કોસા બડીચુંઇ ખદાન પહાડી છે. જેને ખોળામાં (નજીકમાં) દેવગીરી નદી વહે છે. આ પહાડની વિરૂધ્ધ દિશા એટલે કે પશ્ચિમમા દેવગઢ ઘાટી પર્વત આવેલ છે કે, જેના ખોળામાં દેવ નદી વહી રહી છે. આ નદી આગળ જઇને કન્હન નદીમાં ભળી જાય છે.

આ અનોખી ભૌગોલીક સ્થિતિને જોઇને મન આશ્ચર્યચકિત થઇ જાય છે. જાણે કે કોઇ મોટા શિલ્પકારે સમજી વિચારીને આ સ્થાનને બનાવ્યુ હોય. આ સ્થાનને કુદરતે કંઇક એવી રીતે બનાવ્યુ છે કે, અનરાધાર વરસાદ પડે તો પણ દેવગઢમાં રહેતા લોકોને કયારેય પણ પુરનો સામનો કરવો પડતો નથી. આ સ્થળે વધારાના પાણીના નિકાલ માટેની સંપુર્ણ વ્યવસ્થા બે નદીઓ દ્વારા કરવામાં આવી છે. અહી પર્વતોની હારમાળા વચ્ચે એક પહાડ આવેલ છે કે જેના ઉપર દેવગઢનો કિલ્લો બનેલો છે. આ  કિલ્લાની ખાસીયત એ છે કે બહારથી જોવામાં આવે તો આ કિલ્લો દેખાતો જ નથી. આ કિલ્લો એક પુસ્તક સમાન છે જે ધીમે ધીમે પુસ્તકના પાનાની માફક ખુલે છે. (દેખાવા લાગે છે) નીચે વિજયગઢથી જોવામાં આવે તો પણ આ કિલ્લો જોવા નથી મળતો. માત્ર પર્વતની ટોચ ઉપર હવામાં લહેરાતી માં ચંડી (માતાજી)ની ધજા જોવા મળે છે, જયારે કિલ્લા ઉપરથી નીચે નજર કરવાથી આખુ વિજયગઢ જોવા મળે છે.

દેવગઢના સાનિધ્યમાં ફેલાયેલ સોળમી સદીની વાવ (બાવડીયા)કે જે પહેલા અજાણી હતી. હાલમાં જ આ વાવનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. પાણીના સંગ્રહ અને પાણીની ધારા સાથે દેવગઢનો ખૂબ જૂનો સંબંધ છે. વાર્તાઓનુ અને વિવિધ કિસ્સાઓનું સ્થળ છે. અહી જનમાનસમાં એવી વાત પ્રચલીત છે કે, આ સ્થળે ૯૦૦ કુવાઓ અને ૮૦૦ વાવ (બાવડીયા) અસ્તિત્વમાં હતા. જો કે આનુ કોઇ લેખીત પ્રમાણ નથી, પરંતુ અહીનો દરેક માનવી આ બાબતને સાચી માને છે. દેવગઢના જંગલોમાં માટી, વૃક્ષો અને ઝાડીઓમાં દબાયેલ ધરબાયેલ કુવા અને વાવ હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે. દેવગઢમાં જગ્યાએ જગ્યાએ મળી આવતી આ વાવને જોઇને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આ કુવા વાવનું નિર્માણ કરતી વખતે એ સમયના લોકોના વિચારો કેવા રહ્યા હશે?

દેવગઢની આસપાસ આવેલ જંગલ સાતપુડાના ગીચ જંગલોનો એક ભાગ છે. આ જગ્યામાં એવુ જાદુઇ આકર્ષણ છે કે, જે કોઇ અહી એક વખત આવે છે કે તે અહીના થઇ ને જ રહી જાય છે તેવુ કવિનાત કાજી જણાવી રહ્યા છે.

ટુંકમાં દેવગઢ આવીને માનવીનું મન બોલી ઉઠે છે કે, 'આ...હા...હા.. દિલ ખુશ કરી દેતો મદમસ્ત કુદરતી નઝારો'.

  • દેવગઢ પહોંચવું કઇ રીતે? રહેવું કયાં?

મધ્યપ્રદેશના છીંદવાડા જીલ્લામાં સાતપુડા પર્વતમાળામાં દેવગઢ આવેલું છે. છીંદવાડાથી ૪૦ કિલોમીટર જેટલુ દૂર છે. દેશના મોટાભાગના મુખ્ય મથકો એથી મધ્યપ્રદેશના જબલપુર, ઇન્દોર તથા ભોપાલ માટે રેલ્વે બસ કે એર કનેકટીવીટી મળી રહે છે ત્યાથી, છીંદવાડા પહોચી શકાય છે. ઓનલાઇન બુકીંગ કરાવી શકાય છે કે પછી ટ્રાવેલ એજન્ટસ દ્વારા પણ બુકીંગ શકય છે.

છીંદવાડા ખાતે ૭૦૦ રૂપિયાથી માંડીને ૩૫૦૦ રૂપિયા સુધીના ટેરીફ સાથેની હોટલ્સ મળી રહે છે. દેવગઢની આજુબાજુ પણ વિવિધ ફેસેલીટીઝ સાથેની હોટલ્સ મળી રહે છે. છીંદવાડા તથા દેવગઢ ખાતે સીઝન મુજબ ઘણા કિસ્સામાં ડીસ્કાઉન્ટ પણ મળતુ હોય છે. ઓનલાઇન કે પછી ટ્રાવેલ એજન્ટસ દ્વારા પણ બુકીંગ કરાવી શકાય છે. ગુગલ ઉપર સર્ચ કરીને પણ બુકીંગ સહિતની બાબતો જાણી શકાય છે. Accommodations for chhindawara madhya pradesh or Devgarh madhya pradesh

(11:42 am IST)