Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

૧૫ ઓગષ્ટે જમ્મુ અને પંજાબમાં હુમલો કરવા ત્રાસવાદીઓના નાપાક ઈરાદા

રાવલપીંડીમાં જૈશ, તોઈબા અને અલબદ્દરના ત્રાસવાદીઓની બેઠકમાં ષડયંત્ર ઘડાયું

નવી દિલ્હી, તા. ૫ :. ત્રાસવાદીઓ ૧૫ ઓગષ્ટના રોજ જમ્મુ અને પંજાબમાં હુમલો કરવા માંગતા હોવાનો અહેવાલ ગુપ્તચર બ્યુરોએ આપ્યો છે. પંજાબ અને જમ્મુના સરહદી વિસ્તારોમાં હુમલાની યોજના ઘડવામાં આવી રહી છે. મળતા અહેવાલોમાં તોઈબાના ત્રાસવાદી જકીઉર રહેમાનના ઘરે હાલમાં ત્રાસવાદીઓની એક બેઠક મળી હતી અને તેમાં હુમલાની ષડયંત્ર ઘડવામાં આવ્યુ હતું.

રાવલપીંડી સ્થિત રહેમાનના ઘરે ત્રાસવાદીઓએ હુમલાની યોજના ઘડી હતી. આ બેઠકમાં જૈશ-એ-મહમદ, લશ્કર-એ-તોઈબા અને અલબદ્દરના ત્રાસવાદીઓ સામેલ થયા હતા. અલબદર તરફથી કમાન્ડર હમજા બુરહાન હાજર રહ્યો હતો. મળતા અહેવાલો અનુસાર આ ત્રાસવાદીઓને આઈએસઆઈનું સમર્થન મળી રહ્યુ છે જેના ઈશારે ત્રાસવાદીઓ ઘુસણખોરીની તૈયારી કરી રહ્યા છે.

અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરી એરફોર્સ અને આર્મી ઈન્ટેલીજન્સને નિશાના પર લેવા ષડયંત્ર રચ્યુ હતું.

(11:04 am IST)