Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મધ્યપ્રદેશ : રેસ્કયુ કરવા ગયેલ ગૃહમંત્રી ખુદ પૂરમાં ફસાઇ ગયા : એરફોર્સે કર્યા એરલિફટ

બોટ પર એક ઝાડ પડ્યું તે ખરાબ થઇ ગઇ

ભોપાલ,તા.૫ :  રાજયના ગૃહમંત્રી નરોત્ત્।મ મિશ્રા બુધવારે મધ્યપ્રદેશના દાતિયા જિલ્લાના કોટરા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નીરિક્ષણ કરવા પહોંચ્યા હતા. તે જ સમયે તેમની બોટ પર એક ઝાડ પડ્યું અને તે ખરાબ થઈ ગઈ, ત્યારબાદ તેને અને અન્ય નવ લોકોને એરફોર્સની મદદથી બચાવી લેવામાં આવ્યા.

એક અધિકારીએ જણાવ્યું કે, મિશ્રા બુધવારે દાતીયા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સવારે ૧૦.૩૦ વાગ્યે દતિયાના કોટરા ગામમાં એક મકાનની છત પર લોકો ફસાયા હોવાની માહિતી મળતાં ગૃહમંત્રી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ સાથે હોડી દ્વારા તેમને બચાવવા પહોંચ્યા હતા.

બચાવ દરમિયાન, એક વૃક્ષ અચાનક બોટ પર પડ્યું, જેના કારણે તેમાં કેટલીક તકનીકી ખામી સર્જાઈ અને તે ત્યાં જ અટવાઈ ગઈ. આ પછી, મિશ્રાએ સંબંધિત અધિકારીને સંદેશ મોકલ્યો, જેના આધારે તેમને અને પૂર પીડિતોને મદદ કરવા માટે એરફોર્સ હેલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, 'એર ફોર્સ હેલિકોપ્ટર આવ્યા ત્યારે મિશ્રાએ સૌપ્રથમ નવ લોકોને બહાર કાઢ્યા હતા અને તે પછી તેઓ પોતે પણ કોટરામાં પાણીથી ઘેરાયેલા ઘરની છત પરથી હેલિકોપ્ટરમાં સલામત રીતે ચડ્યા હતા.' કોટરા ગામ સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું હતું. લગભગ એક માળ સુધી ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકો છત પર હતા.

(10:35 am IST)