Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પાડાના વાંકે પખાલીને ડામ : IT પોર્ટલ ખામીયુકત હોવા છતાં દંડની વસૂલાત

પોર્ટલની સમસ્યાને કારણે બે મહિનાથી રિટર્ન જ ભરી શકાતા નથી : પોર્ટલની જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવા નાણામંત્રીને રજુઆત

નવી દિલ્હી,તા. ૫ : ઇન્કમટેકસ પોર્ટલના ઠેકાણા નહીં હોવાના કારણે કરદાતા રિટર્ન ભરી શકાતા નથી. તેમ છતાં તેને સુધારવાના બદલે ઉલટા ચોર કોટવાલ કો દંડે તે પ્રમાણે કરદાતા રિટર્ન નહીં ભરે તો પાંચ હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. તેવો મેસેજ પોર્ટલ પર ડિસ્પ્લે થવાનું શરૂ થઇ ગયું છે. જેથી પોર્ટલની ખામી હોવા છતાં કરદાતા પાસેથી દંડના નામે નાણાં વસૂલાત કરવાની કવાયત હાથ ધરવામાં આવતા કરદાતાઓમાં કચવાટ પેદા થયો છે.

ઇન્કમટેકસનું નવું પોર્ટલ ૭ મી જૂનથી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી તે વાતને બે મહિનાનો સમય થવા લાગ્યો હોવા છતાં પોર્ટલની ખામીને કારણે કરદાતાઓ રિટર્ન ફાઇલ નથી કરી શકતા. તેમજ અન્ય સમસ્યા પણ આવી રહી છે. જ્યારે હાલમાં તો રિટર્ન નહીં ભરવાના લીધેકરદાતા પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. તેનો મેસેજ ડિસ્પ્લે પર દેવાનાનું શરૂ થયો છે. તે અંગે સીએ વિરેશ રૂદલાલે નાણામંત્રી નિર્મલા સીતારમને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું છે કે નવું પોર્ટલ તૈયાર કરવાની જવાબદારી જે એજન્સીને આપવામાં આવી છે તેની ખામીને લીધે કરદાતાઓ હાલ પરેશાન થઇ રહ્યા છે. જેથી એજન્સી સામે કાર્યવાહી કરવામાં  આવી જોઇએ. તેના બદલે પોર્ટલ પર કરદાતા પાસેથી પાંચ હજારનો દંડ વસૈલાત કરવાનો મેસેજ દર્શાવવામાં આવી રહ્યો છે. તે યોગ્ય નથી. જેથી આ અંગે તાત્કાલિક કરદાતાને રાહત થાય તે પ્રમાણે કાર્યવાહી થવી જોઇએ.

  • મહિને એક ટકા વ્યાજ વસૂલવાનું શરૂ થયું

સરકારી અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ આઇટી રિટર્ન ૩૧ જુલાઇ સુધીમાં ભરી દેવાનું હોય છે. જ્યારે પોર્ટલની ખામીને કારણ હજુ સુધી તેઓ રિટર્ન જ ભરી શકયા નથી.જેથી કરદાતા હવે રિટર્ન ભરપાઇ કરે તો તેઓ પાસેથી રિટર્ન મોડુ ભરવા બદલ એક ટકા લેખે વ્યાજ વસૂલાત કરવાની પણ ગણતરી પોર્ટલ દ્વારા જ કરી દેવામાં આવી છે. જેથી કરદાતા પાસેથી નાણા વસૂલાત કરવાની હોય તો સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરતી હોય છે. પરંતુ જ્યારે કરદાતાને સુવિધા આપવાની વાત આવે ત્યારે પરેશાની યથાવત રહેતી હોય છે.

(10:32 am IST)