Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્યામાં ઇતિહાસ : રામમંદિરનો જાજરમાન શિલાન્યાસ સંપન્ન થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ વર્ષ જૂની શિલાઓથી ભૂમિપૂજન કર્યું : રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ : છેલ્લા ૨૯ વર્ષ પછી અયોધ્યામાં પગ મૂક્યો રામલલ્લાના દર્શન કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન બન્યા

અયોધ્યા, તા. ૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ઓગસ્ટે બુધવારે અયોધ્યામાં રામ મંદિર માટે શિલાન્યાસ કર્યો હતો. ૧૫૨૮માં રામ મંદિરને તોડીને અહીં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. આઝાદી પછી લાંબો કેસ ચાલ્યો હતો. નવ મહિના પહેલાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. વિવાદિત જમીન રામલલ્લાની થઈ અને હવે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે. રામ મંદિર માટેનું આંદોલન લાલકૃષ્ણ આડવાણીએ ચલાવ્યું હતું પરુંતુ વડાપ્રધાન હોવાના કારણે મંદિર નિર્માણના ભૂમિપૂજન કરવાની તક નરેન્દ્ર મોદીને મળી હતી. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવવામાં આવી હતી. ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મંદિર નિર્માણની શરૂઆત થઈ છે. મોદી બુધવારે સવારે અહીં પહોંચ્યા હતા. હનુમાન ગઢીમાં પૂજા કરનાર અને રામલલ્લાનું દર્શન કરનાર તે પહેલા વડાપ્રધાન બન્યા છે. આ પહેલાં ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી બાજપેયી અયોધ્યા પહોંચ્યા પરંતુ રામલલ્લાના દર્શન કરી શકયા ન હતા.

           મોદી ૨૯ વર્ષ પછી અયોધ્યા આવ્યા છે. આ પહેલાં ૧૯૯૧માં અયોધ્યા આવ્યા હતા. ત્યારે ભાજપના અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ તિરંગા યાત્રા કાઢી હતી. યાત્રામાં મોદી તેમની સાથે રહેતા હતા. મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના સમયે ફૈજાબાદ-અંબેડકર નગરમાં એક રેલીને સંબોધિત કરી હતી, જોકે અયોધ્યા ગયા ન હતા. નોંધનીય છે કે, મોદીની ભાજપ પાર્ટીએ ૧૦માંથી૮ લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો. હનુમાન ગઢીમાં પૂજા પછી મોદી જ્યારે રામ જન્મભૂમિ પહોચ્યા ત્યારે તેમણે સૌ પ્રથમ રામલલ્લાના દર્શન કર્યા. ત્યારપછી તેમણે રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. ત્યારપછી તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તે મંદિરના ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને અન્ય અતિથિઓ પહેલેથી ત્યાં હાજર હતા. ૧૭ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના પહોંચતાં જ પૂજન શરૂ કરવામાં આવ્યું હતું. અહીં ૨૦૦૦ પવિત્ર જગ્યાઓથી માટી અને ૧૦૦થી વધારે નદીઓનું પાણી લાવીને રાખવામાં આવ્યું હતું. ૧૯૮૯માં સમગ્ર દુનિયામાંથી ૨ લાખ ૭૫ હજાર ઈંટો જન્મભૂમિ માટે મોકલવામાં આવી હતી. તેમાંથી ૯ ઈંટોને શિલાના પૂજન માટે રાખવામાં આવી હતી.

                પૂજન પછી મોદીને સંકલ્પ પણ અપાવવામાં આવ્યો હતો. પૂજન સામગ્રીમાં બરસોલી (બકુલી)ના લાકડાંમાંથી પાત્ર બનાવવામાં આવ્યું હતું. તેના લાંબા પાત્રમાં સોના-ચાંદી સહિત નવરત્ન ભરવામાં આવ્યા છે. ભૂમિપૂજન માટે જમીનમાં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેના મૂળમાં બરસોલીનું પાત્ર મુકવામાં આવ્યું છે. આ પૂજન વિધિ કાંચીપુરમ પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીજી મહારાજે જણાવી છે. ૩૨ સેકન્ડના મુહૂર્તમાં વડાપ્રધાન સાથે પૂર્ણાહુતિ કરાવવામાં આવી, જે કરિષ્યામિ કહેવાની સાથે પૂરી થઈ. પૂજન વિધિ ૪૦ મિનિટ ચાલી હતી. હનુમાન ગઢીમાં વડાપ્રધાન મોદીએ પૂજા-આરતી કરી હનુમાન ગઢીમાં વડાપ્રધાન મોદીને ચાંદીનો મુગટ પહેરાવીને સ્વાગત કર્યું હતું. દેશભરમાંથી પવિત્ર જળ અને માટી લાવવામાં આવીઃ ભૂમિ પૂજન માટે દેશભરમાં પવિત્ર જળ અને માટી અયોધ્યામાં લાવવામાં આવી હતી. તેમાંથી પાકિસ્તાનના કબજા હેઠળના શારદા પીઠથી પણ પ્રસાદ અને પવિત્ર માટી અયોધ્યા લાવવામાં આવી હતી.

                   કર્ણાટકના રહેવાસી અને સેવા શારદા પીઠના સક્રિય સભ્ય અંજના શર્મા આજે માટી લઈને અયોધ્યા પહોંચ્યો હતો. PoKમાં ભારતીય નાગરિકને જવાની પરવાનગી નથી. એટલા માટે ચીનમાં રહેનાર ભારતીય મુળના વેંકટેશ રમણ અને તેની પત્નીને ચીનના પાસપોર્ટથી PoK મોકલાયા હતા. દંપતી હોંગકોંગથી પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર (PoK)ની રાજધાની મુઝફરાબ્બાદ પહોંચ્યા હતા. PoK પહોંચ્યા પછી તે શારદા પીઠથી પ્રસાદ અને પવિત્ર માટી લઈને હોંગકોંગ થઈને દિલ્હી આવ્યા. હતા. અહીં તેઓએ અંજના શર્માને આ માટી આપી દીધી. શર્માએ જણાવ્યું હતું કે તેઓ શારદા પીઠના રવિન્દ્ર પંડિતના નિર્દેશ ઉપર અહીં આવ્યા છે. અયોધ્યા પહોંચવાની સાથે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અંજના શર્મા પોતાની સાથે કર્ણાટકના અંજના પર્વત પરથી જેને હનુમાનનું જન્મ સ્થળ માનવમાં આવે છે ત્યાંથી પવિત્ર જળ લઈને આવ્યો. ગત વર્ષે પાકિસ્તાન સરકારે એક કોરિડોર બનાવવાની મંજૂરી આપી હતી.

રામ મંદિર ભારતની સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન બાદ સંબોધન રતા જણાવ્યું કે, આજે કરોડો ભારતીયોની અભિલાષા અને આશા પૂર્ણ થઈ છે. આજના આ પવિત્ર અવસર પર તમામ રામભક્તોને કોટી-કોટી અભિનંદન. વડાપ્રધાન મોદીએ રામ મંદિરને દેશની સંસ્કૃતિનું આધુનિક પ્રતીક ગણાવ્યું છે. વડાપ્રધાને ભગવાન રામ અને સીતાના જયકારની સાથે પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, કરોડો રામ ભક્તોને આ પવિત્ર અવસર પર ખૂબ-ખૂબ અભિનંદન. આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનવા માટે હું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, શ્રીરામનું મંદિર આપણી સંસ્કૃતિનો આધુનિક પ્રતીક બનશે, આપણી શાશ્વત આસ્થાનું પ્રતીક બનશે, આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે અને આ કરોડો-કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનો પણ પ્રતીક બનશે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, આપણી આઝાદીની લડાઈના સમયે અનેક પેઢીઓએ પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. ૧૫ ઓગસ્ટનો દિવસ લાખો લોકોના બલિદાનનો પ્રતીક છે. તેવી જ રીતે રામ મંદિર માટે અનેક સદીઓ સુધી અનેક પેઢીઓએ અખંડ અને અરવિત પ્રયાસો કર્યા છે.

સ્ટેજ પર માત્ર પાંચ લોકોને સ્થાન અપાયુઃ

શ્રીરામ જન્મભૂમિ સંકુલમાં ભૂમિપૂજન માટેનું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જેમાં ફક્ત પાંચ જ લોકો હાજર હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇજીજી ચીફ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ.

(7:42 pm IST)