Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પુરાતત્વ ખાતાના સર્વેક્ષણના અધિકારી કેકે મુહમ્મદ : જેમણે મસ્જિદની નીચેથી મંદિરના અવશેષ શોધ્યા : પુરાવા આપ્યા

ASIએ 1977માં વિવાદી જમીનનું સર્વેક્ષણ કર્યું હતુ ત્યારે કેકે મુહમ્મદ પુરાત્વની ટીમમાં ટ્રેની હતા: સુપ્રીમે મંદિર તોડી મસ્જિદ બનાવાયાના પુરાવા માંગ્યા હતા

અયોધ્યાઃ અયોધ્યા કેસમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી 5 જજોની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન કોર્ટે ASIના રિપોર્ટના આધારે જણાવ્યું હતુ કે મસ્જિદ ખાલી જગ્યા પર નહતી બનાવવામાં આવી. પરંતુ મંદિર તોડીને મસ્જિદ બનાવવાની પૂરી જાણકારી પણ નથી. ત્યારે ભારતીય પુરાતત્વ ખાતાના સર્વેક્ષણના અધિકારી કેકે મુહમ્મદે દાવો કર્યો હતો કે, મસ્જિદની નીચેથી મંદિરના અવશેષ મળ્યા હતા.

 વાસ્તવમાં ભારતીય પુરાતત્વ ખાતાએ પ્રથમ વખત 1977માં વિવાદિત જમીનનું પુરાતત્વિક સર્વેક્ષણ કર્યું હતું, ત્યારે એ ટીમમાં કેકે મુહમ્મદ ટ્રેની તરીકે સામેલ હતા, ત્યાર બાદ 2003માં પણ ઈન્ડિયન આર્કિયોલોજી સર્વે (ASI)એ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર વિવાદિત જમીન પર ખોદકામ  શરૂ કર્યું હતું.

 ASIની આ ટીમે વૈજ્ઞાનિક પરીક્ષણ કર્યું હતું. જેના આધારે વિવાદિત ઢાંચાની નીચે પ્રાચીન મંદિરના અવશેષ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મંદિરના પક્ષમાં મળેલા આ પુરાવાએ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુહમ્મદે ફરીથી દાવો કર્યો કે ASI દ્વારા પૂરા પાડવામાં આવેલા પૌરાણિક અને ઐતિહાસિક પૂરાવાના આધારે જ સુપ્રીમ કોર્ટ એ પરિણામ પર પહોંચી છે કે પહેલા ત્યાં એક મોટું ભવ્ય મંદિર હતું.

કોર્ટે ASIના રિપોર્ટને માન્ય રાખ્યો અને જણાવ્યું કે ખોદકામ દરમિયાન જે મળ્યું તે ઈસ્લામિક ઢાંચો નહતો. ચૂકાદો વાંચવાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે શિયા વક્ફ બોર્ડની અરજી ફગાવતા આ નિર્ણય સંભળાવ્યો છે.કોર્ટે વિવાદિત જમીન રામલલાને એટલા માટે આપી, કારણ કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યો. કોર્ટના આ ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવાનો માર્ગ મોકળો થયો હતો.

કોર્ટે રામ મંદિર નિર્માણની રૂપરેખા નક્કી કરવાની જવાબદારી ટ્રસ્ટને આપી છે. ત્રણ માસની અંદર કેન્દ્ર સરકારને ટ્રસ્ટની રચના કરવી પડશે, આ ટ્રસ્ટ રામ મંદિરનું નિર્માણ કરાવશે. અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન શરૂઆતમાં જ કોર્ટે નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડના દાવાને ફગાવ્યો છે.

(2:08 pm IST)