Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ભારતીય અર્થવ્યવસ્થાનો ખરાબ દૌર ખતમ

ખેતી ક્ષેત્રએ નૈયા પહોંચાડી કિનારે

નવી દિલ્હી તા. પઃ ભારતીય અર્થવ્યવસ્થાનો ખરાબ દૌર હવે લગભગ ખતમ થઇ ચૂકયો છે. નાણાં મંત્રાલયે મંગળવારે બહાર પાડેલ એક રિપોર્ટમાં આવું તારણ આપ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સારા ચોમાસાની શકયતાને જોતા કૃષિ ક્ષેત્ર કોરોના વાયરસથી પ્રભાવિત અર્થ વ્યવસ્થાને ઉગારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આર્થિક બાબતોના વિભાગ તરફથી અપાયેલ આર્થિક રિપોર્ટમાં કહેવાયું છે કે એપ્રિલના સંકટ પછી હવે ભારત પુનરોધ્ધારના માર્ગે છે. તેમાં સરકાર અને રીઝર્વ બેંકની નીતિઓનો ટેકો મળ્યો છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત અનલોકના તબક્કામાં છે તેનાથી જાણવા મળે છે કે અર્થવ્યવસ્થાનો ખરાબ સમય વીતી ગયો છે. જો કે કોવિડ-૧૯ના વધી રહેલા કેસો અને વિભીન્ન રાજયોમાં અવાર નવાર લાગુ થતા લોકડાઉનથી જોખમ ચાલુ છે. રિપોર્ટ કહે છે કે કોવિડ-૧૯ના કેસોમાં વધારો તથા તેના કારણે રાજયો દ્વારા થોડા થોડા દિવસો માટે લગાવાઇ રહેલા લોકડાઉનથી સુધારાની શકયતાઓ નબળી પડી રહી છે. ત્યારે તેના પર સતત ધ્યાન આપવાની જરૂર છે.

જો કે રિપોર્ટમાં કૃષિ ક્ષેત્ર બાબતે વિશ્વાસ મુકાયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ર૦ર૦-ર૧માં ભારતીય અર્થ વ્યવસ્થાને કોવિડ-૧૯ના ઝટકામાંથી બહાર લાવવામાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા મહત્વની બનશે. કોવિડ-૧૯ના કારણે લાગુ લોકડાઉનમાંથી કૃષિ ક્ષેત્રને ખરા સમયે અપાયેલી છૂટથી ખરીફ ફસલોની લણણી થઇ શકી રિપોર્ટ કહે છે કે ઘઉંની રેકોર્ડ ખરીદીથી ખેડૂતોના હાથમાં ૭પ હજાર કરોડ રૂપિયા આવ્યા જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં અંગત ઉપયોગ વધવામાં મદદ મળશે.

(12:55 pm IST)