Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ફ્રી કોરોના ટેસ્ટનો મેસેજ આવે તો થઈ જજો સાવધાન, નહીં તો બેંકના ખાતા થઈ જશે સાફ

બેંક ફ્રોડના કિસ્સામાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ફ્રોડ કરનારાઓ અલગ-અલગ રીતે લોકો સાથે છેતરપિંડી કરવા માટે નવી-નવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે

 નવી દિલ્હી,તા.૫ : દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સરકાર કોરોનાને કાબુમાં લેવા માટે યુદ્ઘના ધોરણે કામગીરી કરી રહી છે, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે બેંક ફ્રોડના કિસ્સામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ફ્રોડ કરનારાઓ અલગ-અલગ રીતે લોકો સાથે છેતરપિંડી કરવા માટે નવી-નવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે કોરોનાની મહામારીનો લાભ લઇને કેટલાક ઇસમો લોકોને ફ્રી કોરોના ટેસ્ટનો મેસેજ મોકલી લોકોની પાસેથી તેમની અંગત વિગતો મેળવી લોકોના બેંકના ખાતાઓ સાફ કરી રહ્યા છે.

સૌપ્રથમ ફ્રોડ કરનાર લોકોના મોબાઈલ પર કે ઈ-મેઈલ પર ફ્રી કોવિડ ટેસ્ટ કરાવો તેવો એક મેસેજ મોકલે છે અને જયારે વ્યકિત ફ્રી કોવિડ ટેસ્ટની લાલચમાં આવી કેટલીક જરૂરી વિગતો આપે છે જેના કારણે સામેની વ્યકિત કમ્પ્યુટર કે મોબાઇલ હેક કરી લે છે અને ત્યારબાદ તેમાંથી સંવેદનશીલ અને ગોપનીય માહિતી મેળવી લોકોના બેંકના ખાતાઓમાં રહેલા પૈસા ફ્રોડ વ્યકિતઓ ઉપાડી લે છે. જોકે, આ પ્રકારના મેસેજની જાળમાં ન ફસાઈને સતર્ક રહેવા માટે ભારતીય બેંકોએ પહેલાથી જ તેમના ગ્રાહકોને માહિતી આપી દીધી છે અને હવે વિદેશની બેંકો પણ તેમના ગ્રાહકોને એલર્ટ રહેવા માટે કહી રહી છે.

ઓનલાઈન ફ્રોડને લઈને ઇન્ડિયા કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારના મેસેજ અને ઇ-મેઇલ મોટા ફિશિંગ કેમ્પનો ભાગ છે. મેસેજ પર કિલક કરતાની સાથે તે વ્યકિત એક વેબસાઈટ પર જાય છે અને વેબસાઈટના કારણે વ્યકિતની સિસ્ટમમાં વાયરસ આવી જાય છે. આ વાયરસની મદદથી હેકર્સ વ્યકિતની અંગત માહિતી મેળવી શકે છે. આ મેઈલ ID [email protected] જેવી હોય છે અને ત્યારબાદ તેના સબ્જેકટમાં Free Covid-19 testing for all residents of Delhi, Mumbai, Hyderabad, Chennai and Ahmedabadનું લખાણ લખવામાં આવે છે, અને જયારે વ્યકિત આ મેઇલ ખોલે છે ત્યારે તેની કેટલીક માહિતી માંગવામાં આવે છે.

ભારત સરકારે પણ આ બાબતે એડવાઈઝર જાહેર કરીને કહ્યું છે કે, કોરોનાની મહામારી વચ્ચે મોટા પ્રમાણમાં ફિશિંગ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યા છે. કોરોના ટેસ્ટની વાત કરીને લોકોની મહત્ત્વપૂર્ણ માહિતી એકઠી કરવામાં આવે છે.

(11:16 am IST)