Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ધમાકાથી ૩ માળ સુધી કારો ઉછળી

લેબનાનના વડાપ્રધાન હસન દિઆબે બુધવારે રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત કરી

 બેરૂતઃ લેબનાન ની રાજધાની બેરૂતમાં મંગળવાર મોડી સાંજે દરિયાકાંઠે ઊભેલા જહાજમાં ભીષણ વિસ્ફોટ થયો. મળતી માહિતી મુજબ, આ જહાજ ફટાકડાઓથી ભરેલું હતું જેના કારણે એવો અનુભવ કરાયો કે આ સમજી-વિચારીને કરવામાં આવેલો બોમ્બ બ્લાસ્ટ છે. ધમાકો એટલો ભીષણ હતો કે ૧૦ કિલોમીટરની ત્રિજયામાં આવેલા ઘરોને નુકસાન પહોંચ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બ્લાસ્ટથી કાર ત્રણ માળ સુધી ઉછળી ગઈ અને પાસે આવેલી અનેક બિલ્ડિંગ્સ એક ક્ષણમાં ધરાશાયી થઈ ગઈ. લેબનાનના   મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૭૩ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને લગભગ ૪૦૦૦ લોકો ઘાયલ થયા છે.

લેબનાનના વડાપ્રધાન હસન દિઆબે બુધવારે રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત કરી છે. અધિકારીઓનું કહેવું છે કે એક ગોડાઉનમાં ભારે વિસ્ફોટક સામગ્રી સ્ટોર હતો અને ત્યાંજ ધમાકો થયો. રાષ્ટ્રપતિ માઇકલ ઇયોને ટ્વિટ કરી કહ્યું છે કે આ બિલકુલ સ્વીકાર્ય નથી કે ૨૭૫૦ ટન વિસ્ફોટક નાઇટ્રેટ અસુરક્ષિત રીતે સ્ટોરમાં રાખવામાં આવ્યું હતું.

બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ હાલ ચાલી રહી છે. ઘટનાસ્થળેથી કંપાવી દેનારા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં રસ્તા પર લોકોની લાશો વિખેરાયેલી જોવા મળી રહી છે. વડાપ્રધાન હસન દિઆબે તેને ભયાનક ગણાવ્યું કે અને કહ્યું છે કે જે પણ દોષી હશે તેને છોડવામાં નહીં આવે.

(11:12 am IST)