Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્યા બન્યું રામમય, ભૂમિ પૂજનની પૂર્વ સંધ્યાએ દિવાળી જેવો માહોલ

આશરે એક લાખ દીવડા રોશન કરવામાં આવ્યા

અયોધ્યા તા. ૫ : ઉત્તર પ્રદેશની ધાર્મિક નગર અયોધ્યા રામ મય બની ચુકી છે. નવા ઘાટ રામ કી પૌડી પર દીપોત્સવ મનાવવામાં આવ્યો. અહીંયા આશરે એક લાખ દીવડા રોશન કરવામાં આવ્યા. સાકેત મહાવિદ્યાલયથી હનુમાનગઢી સુધી આશરે દોઢ કિલોમીટરના ક્ષેત્રમાં અલગ અલગ રંગો જોવા મળ્યા. માર્ગોની બંને બાજુના ભવન પીળા રંગની રોશનીથી શણગારવામાં આવ્યા. આ રોશનીએ અયોધ્યા નગરીમાં ખાસ આકર્ષણ જગાવ્યું હતું. સમગ્ર અયોધ્યામાં દિવાળી જેવા માહોલ જોવા મળ્યો. એવું અનુભૂતી થઇ કે જાણે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની પૂર્વ સંધ્યાએ દિવાળીનો તહેવાર ઉજવાઇ રહ્યો હોય.

ભૂમિ પૂજનને લઇને રામ નગરીની સાથે સાથે સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્ણ માહોલ છે. અહીં બુધવારે પણ દીપોત્સવ મનાવવામાં આવશે. મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત પહેલા સરયૂ નદીના કિનારે વિશેષ સજાવટ કરવામાં આવી. અયોધ્યાના આશરે ૫૦ સ્થળોએ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને ભગવા અને લાલ ઝંડાથી સુશોભીત કરવામાં આવ્યો છે. જુદી જુદી રોશનીની કારણે અયોધ્યામાં સર્જાયેલા આ દ્રશ્યો વિહંગમ અને અભૂતપૂર્વ છે. રામનગરીમાં જાણે ત્રેતાયુગના દ્રશ્યો જોવા મળ્યા હોય તેવો ભાવ ઉભો થયો. એવું લાગ્યું કે જાણે ભગવાન રામ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફરી રહ્યા હોય અને અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગત માટે સમગ્ર નગરીને સજાવી હોય.

(10:41 am IST)