Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અયોધ્યામાં રામ મંદિરના રાજીપાનો રણકાર રાવણ મંદિરમાં રણક્યો : કાલે રામ નામના લાડું વહેંચાશે

અયોધ્યાથી 650 કિલોમિટર દૂર બિસરખમાં લંકાપતિ રાવણનું પૌરાણિક મંદિર: ભક્તોમાં ભારે ઉત્સાહ

 

રામ મંદિર શિલાન્યાસ માટે દેશભરમાં ખુશીનો માહોલ છે ચારેતરફ જુદી જુદી રીતે ઉત્સવો થઈ રહ્યાં છે ત્યારે ગૌતમબુધ્ધના બિસરખમાં આવેલા રાવણ મંદિરમાં પણ રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણીની તૈયારીઓ થઈ ચુકી છે.

અયોધ્યાથી 650 કિલોમિટર દૂર આવેલા બિસરખમાં લંકાપતિ રાવણનું એક પૌરાણિક મંદિર છે. મંદિરના રાવણ ભક્તોમાં રામ મંદિર નિર્માણને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિરના પૂજારી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, ભારે રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે, ' અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનનું અનુષ્ઠાન પૂર્ણ થયાં બાદ રાવણ મંદિરમાં બધા ભક્તોને લાડવાનો પ્રસાદ આપવામાં આવશે. હું ખૂબ રાજી છું કે વર્ષો બાદ રામ મંદિર બની રહ્યું છે. અમે બધા લાડું ખાઈને ખુશીની ઉજવણી કરીશું. પુજારીએ વધુમાં ઉમેર્યુ હતું કે જો રાવણ હોત તો રામને કોઈ જાણતું હોત નહીં, એવી રીતે રામ વગર રાવણને પણ મોક્ષ મળી ના શક્યો હોત. રામ વગર રાવણનું અસ્તિત્વ ના હોત. આથી રામ સાથે રાવણ અને રાવણ સાથે રામ જોડાયેલા છે.'

(12:30 am IST)