Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પાકિસ્તાનનું ચસ્કી ગયું : કાશ્મીરને પોતાનો ભાગ ગણાવ્યો : નવા વિવાદી નકશામાં જૂનાગઢ,લડાખ અને સિયાચીન પર દાવો કર્યો

ઇમરાન કેબિનેટે નવા વિવાદી નકશાને મંજૂરી આપી : નવા નક્શાને શાળાના પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે

 

નવી દિલ્હી:પાકિસ્તાન હવે નેપાળના રસ્તે ચાલી રહ્યું છે  પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે વિવાદિત નકશાને મંજૂરી આપી છે. નકશામાં પાકિસ્તાને કાશ્મીરને પોતાનો ગણાવ્યો છે. પહેલા પાકિસ્તાન ફક્ત પીઓકેને પોતાનું ગણાવતુ હતુ, પણ હવે નવા નકશામાં કાશ્મીરને સામેલ કર્યો છે. પાકિસ્તાને નવા નક્શામાં ગુજરાતના જુનાગઢ, લદ્દાખ અને સિયાચીન પર પોતાનો દાવો કર્યો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેને પાકિસ્તાનના ઇતિહાસમાં ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ઇમરાન ખાનની કેબિનેટે વિવાદિત નકશાને મંજૂરી આપી. કેબિનેટ બેઠક પછી ઇમરાન ખાને નવું પોલિટિક્સ મેપ જારી કર્યુ છે. નક્શામાં કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો છે.
પાકિસ્તાન પહેલા નેપાળે પણ આવું જ દુષ્કૃત્ય કર્યુ હતુ. તેણે પણ વિવાદિત નક્શાને મંજૂરી આપી, જેમાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરાને સામેલ કર્યો છે. નેપાળે પણ વિવાદિત નકશાને 20 મેના રોજ જારી કર્યો હતો, જેને ત્યાંની સંસદે મંજૂરી પણ આપી હતી. આ વિવાદિત નકશાને તે હવે સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (UN) અને ગુગલ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલવાની તૈયારી કરી રહ્યો છે.

પાકિસ્તાને આ વિવાદિત નક્શો જમ્મુ અને કાશ્મીરથી કલમ 370 હટાવવાના એક વર્ષ પૂર્ણ થવાના એક દિવસ પહેલા જારી કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 5 ઓગસ્ટે ભારતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ભારતના આ પગલા પછી પાકિસ્તાન અકળાયો હતો. તેણે વિશ્વ સમક્ષ આજીજી પણ કરી હતી. અને હવે પોતાના દેશના લોકોને ખુશ કરવા માટે તેણે નવો નકશો જારી કર્યો છે. આ વચ્ચે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું કે નવા નક્શાને શાળાના પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે.

 

(10:15 pm IST)