Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પિતા-પુત્રીએ સાથે ફાઈટર જેટ ઉડાવી ઈતિહાસ રચ્યો:ભારતીય વાયુસેનાની પ્રથમ ‘જોડી’ બની

એરફોર્સના ઈતિહાસમાં એર કોમોડોર સંજય શર્મા અને ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માનું નામ નોંધાઈ ગયું

નવી દિલ્હી : દેશમાં એક પિતા અને પુત્રીની જોડીએ આકાશમાં અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. આ સાથે ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં બંનેના નામ નોંધાઈ ગયા છે. વાસ્તવમાં એર કોમોડોર સંજય શર્મા અને ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માએ સાથે મળીને ફાઈટર જેટ ઉડાડ્યું છે. આ પછી પિતા અને પુત્રીની જોડી ભારતીય વાયુસેના (IAF)ની પ્રથમ પિતા અને પુત્રીની જોડી બની છે, જેણે એકસાથે ફાઈટર જેટ ઉડાડ્યું છે. એર કોમોડોર સંજય શર્મા અને ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માએ 30 મે 2022ના રોજ એકસાથે ફાઈટર જેટ ઉડાડ્યું હતું. જે બાદ આ જોડીના નામે આ સિદ્ધિ નોંધાઈ ગઈ છે. ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં એવો કોઈ દાખલો નથી કે જ્યાં પિતા અને તેની પુત્રી એક મિશન માટે એક જ ફાઈટર ફોર્મેશનનો ભાગ બન્યા હોય.

એર કોમોડોર સંજય શર્મા અને ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માએ 30 મે, 2022ના રોજ હોક-132 એરક્રાફ્ટની સમાન ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. તેણે એરફોર્સ સ્ટેશન બિદર ખાતે આ ઉડાન ભરી હતી. એરફોર્સ સ્ટેશન બિદર ખાતે હાઈફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા વધુ ઝડપી અને વધુ સારા ફાઈટર એરક્રાફ્ટમાં ઉડવાની તાલીમ લઈ રહી છે.

 

ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્માના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. તે દેશની પ્રથમ મહિલા ફાઈટર જેટ પાઈલટ છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા 2016માં ઈન્ડિયન એરફોર્સમાં જોડાઈ હતી. જેમણે ડિસેમ્બર 2021માં ફાઈટર પાઈલટ તરીકે કમિશન મેળવ્યું હતું. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી.ટેક છે. આ પછી જ તેમને ભારતીય વાયુસેનામાં તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી. તે જ સમયે, તેમના પિતા એર કોમોડોર સંજય શર્માને 1989માં IAFના ફાઈટર સ્ટ્રીમમાં કમિશન કરવામાં આવ્યા હતા. તેમની પાસે લડાયક કામગીરીનો બહોળો અનુભવ છે. એર કોમોડોર સંજય શર્માએ ફ્રન્ટલાઈન ફાઈટર સ્ટેશન તરીકે મિગ-21 સ્ક્વોડ્રનને પણ કમાન્ડ કર્યું છે.

હકીકતમાં અનન્યાના ઉછેર પર ભારતીય વાયુસેનાનો ઘણો પ્રભાવ છે. તેના પિતા એરફોર્સમાં હોવાથી મોટી થઈ રહેલી અનન્યાએ તેના પિતાને ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ તરીકે જોયા હતા. જેની અસર તેમના જીવન પર પણ પડી હતી. જે બાદ તે 2016માં ભારતીય વાયુસેનામાં જોડાઈ હતી. તેઓ પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ તરીકે ઓળખાય છે.

(11:07 pm IST)