Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કંધમાલમાં એન્કાઉન્ટરમાં ચાર માઓવાદી ઠાર મરાયા

સર્ચ ઓપરેશન દરમિયાન દળો સાથે અથડામણ : દળોના બહાદૂરીભર્યા ઓપરેશન બદલ અભિનંદનની વર્ષા

કંધમાલ, તા. ૫ : ઓડિશાના કંધમાલ વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ૪ માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ઓડિશા પોલીસે ટ્વીટ કરીને ઘટનાની જાણકારી આપી હતી. જેમાં જણાવ્યુ હતુ કે જિલ્લાના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને માઓવાદીઓ સંતાયેલા હોવાની શંકા ગઈ હતી.

સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો તો માઓવાદીઓએ પણ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ આમનેસામનેની અથડામણમાં સુરક્ષા દળો ૪ માઓવાદીઓને ઠાર કર્યા હતા.

આ ઘટના બાદ રાજ્યના ચીફ સેક્રેટરીએ પણ જવાનોની કાર્યવાહીને આવકારી હતી. તેની સાથે તેમણે ટ્વીટ કરીને ઘટનાની વિગતો આપી હતી. તેઓએ ઓડિશા પોલીસના અધિકારીઓ, સુરક્ષા દળોના જવાનોને કંધમાલ ઓપરેશનની સફળતા માટે શાબાશી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યુ કે પોલીસ સહિત અન્ય જવાનોએ પોતાની વીરતાનો પરિચય આપતા ૪ માઓવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેઓની આ સફળતા રાજ્યના સર્વાંગી વિકાસમાં મદદરૂપ નીવડશે.

સુરક્ષા દળોએ ગત તા.૨જી જુલાઈએ ઓડિશાના કંધમાલ જિલ્લાના જંગલ વિસ્તારમાં માઓવાદીઓની છાવણી પર છાપો માર્યો હતો. રાજ્યના એક ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ માઓવાદીઓની જંગલ સ્થિત છાવણીમાંથી તેમને વિસ્ફોટ્ક સહિત અન્ય હથિયારો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત સ્થળ પરથી અન્ય ચીજવસ્તુઓ જેવી કે બેગ, બુટ-ચપ્પલો, દસ્તાવેજ તેમજ માઓવાદી સાહિત્યને પણ કબજે કરવામાં આવ્યું હતું.

(9:33 pm IST)