Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

પેન્સિલ બોમ્બ બનાવતી ફેક્ટરીમાં આગ : ૮નાં મોત

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનું અંધેર તંત્ર : મોદીનગરમાં ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીમાં બર્થ-ડે કેક પર લગાવાતા પેન્સિલ બોમ્બ-મીણબત્તી બનાવાતા હતા

ગાઝિયાબાદ, તા. ૫ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક પેન્સિલ બોંબ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની ઝપેટમાં આવી જવાથી ૮ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ૬ મહિલાઓ અને એક બાળક સામેલ છે. અન્ય અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

સત્તાવાર સૂત્રોના અનુસાર, ગાઝિયાબાદના મોદી નગરમાં આવેલી આ ગેરકાયદેસર ફેક્ટરીમાં બર્થ-ડે કેક પર લગાવાતા પેન્સિલ બોંબ અને મીણબત્તી બનાવાય છે. ફેક્ટરીમાં મહિલાઓ અને બાળકો પણ કામ કરે છે, એના લીધે જ મૃતકોમાં સાત મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

ચીફ ફાયર સેફ્ટી ઓફિસર સુનીલ કુમાર સિંહે જણાવ્યું કે, લગભગ ૪ વાગ્યાની આસપાસ અહીં આગ લાગી. અંદર કામ કરી રહેલા લોકો બહાર ન નીકળી શક્યા. દાઝી જવાથી આ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. ફેકટરી માલિકનું નામ નિતીન હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઘાયલોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આસપાસના લોકોએ જણાવ્યું કે, ગામમાં જ આ ફેક્ટરી ચાલી રહી હતી. આસપાસના લોકો જ આ ફેક્ટરીમાં આવીને કામ કરતા હતા.

 

(9:31 pm IST)