Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

જનતા શિવરાજ સરકારથી નારાજ છેઃ ધારાસભ્યનો પત્ર

કેબિનેટ વિસ્તરણ બાદ અજય બિશ્નોઈનો આક્રોશ : શનિવારે મોકલેલા આ પત્રમાં દાવો કરાયો છે કે રીવા અને જબલપુરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

 ભોપાલ, તા. ૫ : મધ્યપ્રદેશમાં ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને પાર્ટી નેતાઓમાં ભારે નારાજગી ચાલી રહી છે. તાજી ઘટના ભાજપના ધારાસભ્ય અજય વિશ્નોઈની છે, જેમણે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને એક પત્ર લખ્યો છે. શનિવારે મોકલેલા આ પત્રમાં દાવો કરાયો છે કે રીવા અને જબલપુરના લોકોમાં રોષ છે. ભૂતપૂર્વ રાજ્યમંત્રી અને ચાર વખત ધારાસભ્ય રહેલા ૬૮ વર્ષીય અજય વિશ્નોઈ હાલ જબલપુર પાટન સીટના ધારાસભ્ય છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે, હું મુશ્કેલી સમજી શકું છું, પરંતુ જનતા નહીં. હું તમને વિનંતી કરું છું કે આપણા લોકોને શાંત કરવા માટે આ બંને ક્ષેત્રના પ્રભારી મંત્રી તરીકે તમે જવાબદારી સંભાળો. અજય વિશ્વનોઈએ પોતાના પત્રમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહનું ઉદાહરણ આપતા શિવરાજસિંહને ઉપરોક્ત વિનંતી કરી છે. તેમણે લખ્યું કે, તમારી(શિવરાજ) જાણકારીમાં હશે કે દિગ્વિજયસિંહે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેતા જબલપુરના પ્રભારી મંત્રી જવાબદારી સંભાળી હતી. આશા છે કે તમે મારી વિનંતી સ્વીકારશો.

અત્રે ઉલ્લેખનીય છે કે અજય વિશ્નોઈ ભાજપના જૂના નેતા છે. વર્ષ ૧૯૮૩માં એ મધ્યપ્રદેશ યુવા ભાજપ મોરચાના અધ્યક્ષ હતા, ત્યારે શિવરાજસિંહ રાજ્ય ભાજપના મંત્રી હતા.

જોકે, આ પત્ર સંદર્ભે વિશ્નોઈને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા તો તેમણે ઈનકાર કર્યો હતો. વિંધ્ય ક્ષેત્રથી મંત્રીમંડળમાં રાજેન્દ્ર શુક્લને સામેલ ન કરતા નારાજગી છે.

(9:29 pm IST)