Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

સૂર્ય, ચંદ્ર અને સત્ય વધુ સમય છુપા રહેતાં નથીઃ રાહુલ ગાંધી

લદ્દાખ મામલે કોંગ્રેસ નેતાના મોદી સરકાર પર પ્રહારો : કોંગ્રેસના નેતાએ લદ્દાખવાસીઓનો હવાલો આપીને ચીને આપણી જમીન પચાવી લીધી હોવાનો દાવો કર્યો હતો

નવી દિલ્હી, તા. ૫ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે ગુરુપૂર્ણિમાના દિવસે સરકાર પર પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું હતું. રાહુલ ગાંધીએ ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ આપીને ભગવાન ગૌતમ બુદ્ધને ક્વોટ કર્યા હતા અને ત્રણ વસ્તુઓ લાંબો સમય છુપી નથી રહેતી જેમાં સૂર્ય, ચંદ્રમા અને સત્યનો સમાવેશ થાય છે તેમ કહ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'ત્રણ વસ્તુઓ લાંબો સમય છુપી નથી રહેતી- સૂર્ય, ચંદ્રમા અને સત્યઃ ગૌતમ બદ્ધ. આપ સૌને ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ.'

હકીકતે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે ચીનના કથિત આક્રમણને લઈ રાહુલ ગાંધી સતત સવાલો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે લદ્દાખવાસીઓનો હવાલો આપીને ચીને આપણી જમીન લીધી હોવાનો દાવો કર્યો હતો. વધુમાં વડાપ્રધાન કહે છે કોઈએ આપણી જમીન નથી લીધી તો સ્પષ્ટપણે કોઈ તો ખોટું બોલે છે તેવો કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં અનેક લોકો ચીની સૈનિકો આપણા ક્ષેત્રમાં ઘૂસી આવ્યા હોવાનું બોલતા સંભળાય છે. વીડિયોમાં એક વ્યક્તિએ ચીની સૈનિકો ગાલવાન ઘાટી ક્ષેત્રમાં ૧૫ કિમી અંદર ઘૂસી આવ્યા હોવાનો દાવો કર્યો હતો. વીડિયોમાં રહેલા લોકોએ આપણી જમીન પર ચીનનો કબજો વધી રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું.

(9:29 pm IST)