Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રેપર કેની વેસ્ટ પણ જંપલાવશે

વૉશિંગ્ટન: અમેરિકામાં વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે મેદાનમાં વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી જે બાઈડન વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. જો કે હવે સમાચાર મળી રહ્યાં છે કે, એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર અને રેપર કેની વેસ્ટ પણ રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે.

કેની વેસ્ટે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે. કેની વેસ્ટે જણાવ્યું કે, તે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. વેસ્ટે ટ્વીટમાં કહ્યું છે કે, “ભગવાન પર વિશ્વાસ રાખીને આપણે અમેરિકાના એ વાયદાને સમજવો જોઈએ. એક વિઝન સાથે દેશના ઉજ્જવળ ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. હું અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા જઈ રહ્યો છું. ”

કેની વેસ્ટના આ નિર્ણયની જાહેરાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરનારા કેની વેસ્ટનું ચૂંટણી લડવાના અનેક અર્થ નીકળે છે. હવે તે આ રેસમાં કેટલા આગળ જશે, તે તો સમય જ બતાવશે. જો તે કેની વેસ્ટના આ નિર્ણયે લોકોની ઉત્સુક્તા વધારી દીધી છે.

આ સાથે જ કેનીના નિર્ણય પર તેને સમર્થન મળવાનું શરૂ થઈ ગયું છે. વેસ્ટના ટ્વીટ પર પત્ની કિમ કાર્દશિયને અમેરિકન રાષ્ટ્રધ્વજ સાથે સમર્થન કર્યું હતું. આ ટ્વીટ બાદ કિમ ચર્ચામાં આવી ગઈ છે. કેટલાક લોકો કિમને અમેરિકાની ફર્સ્ટ લેડી માનવા લાગ્યા છે. આ સિવાય ટેસ્લા કંપનીના CEO એલોન મસ્કે કેનીને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

અગાઉ પણ કેનીએ રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તે સમયે તેમણે 2024ની ચૂંટણી લડવાની વાત કહી હતી. જો કે હવે આ ટ્વીટ મારફતે તેમણે 2020ની ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી દીધી છે.

જણાવી દઈએ કે, કેની વેસ્ટની રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે અનેક અવસર પર મુલાકાત થઈ ચૂકી છે. કેની અને તેની પત્ની કિમ કર્દાશિયાને સજોડે વ્હાઈટ હાઉસમાં જવાની તક પણ મળી હતી.

(4:12 pm IST)