Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

આઇ.સી.એમ.આર.એ કોરોના વેકસીનની સફળતા અને બજારમાં મુકવા પ્રશ્ને સવાલ ઉઠતા કરી સ્પષ્ટતા

વિશ્વના માપદંડો મુજબ ફાસ્ટ ટ્રેક વેકસીન ડેવલોપમેન્ટની પ્રક્રિયા ચાલે છે

નવી દિલ્હી: ICMRને આશા હતી કે, કોરોના વાઈરસની વૅક્સીન 15-ઓગસ્ટ સુધીમાં લૉન્ચ થઈ જશે. જો કે હવે આ મામલે વૈજ્ઞાનિકો તરફથી ટીકા થતી જોવા મળી રહી હતી. હવે ICMRએ પોતાના દાવાનો બચાવ કરતા કહ્યું છે કે, અમારી કોરોના વૅક્સીન બનાવવાની પ્રક્રિયા વિશ્વભરમાં ચાલતા માપદંડો મુજબ જ છે.

  ICMRએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે, “કોઈ પણ રોગની ફાસ્ટ ટ્રેક વૅક્સીન ડેવલોપમેન્ટ માટે ICMRની જે પ્રક્રિયા છે, તે વિશ્વભરમાં ચાલતા માપદંડ અનુસાર જ છે. જેમાં હ્યુમન અને એનિમલ ટ્રાયલ બન્ને એકસાથે કરવામાં આવી શકે છે. આ મામલે જે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેનો સ્વાગત છે. ભારતના સૌથી શ્રેષ્ઠ મેડિકલ પ્રોફેશનલ અને રિસર્ચ વૈજ્ઞાનિકો પર વિશ્વાસ કરવો જોઈએ. ભારતના લોકોની સુરક્ષા અને સારવાર ICMRની પ્રાથમિક્તા છે.”

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક લેટરમાં નોવલ કોરોના વાઈરસની વૅક્સીન 15 ઓગસ્ટ, 2020 સુધીમાં બહાર પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં ICMRએ સ્પષ્ટ કર્યું છે કે, આ તારીખ સુધી ટ્રાયલના પરિણામો જ આવશે. લોકો માટે વૅક્સીન આવવામાં સમય લાગશે. આ લક્ષ્ય ભારત બાયૉટેક ઈન્ટરનેશનલ લિમિટેડ (BBIL)ની પાર્ટનરશિપથી ડેવલટ કોવૅક્સીન નામની વૅક્સીન કેન્ડિડેટ માટે રાખવામાં આવ્યું છે.

ICMRએ જણાવ્યું કે, વિશ્વભરમાં કોરોનાની વૅક્સીનને લઈને જે ટ્રાયલ ચાલી રહ્યાં છે, તે અલગ-અલગ તબક્કે છે. જો કે એ પણ મહત્વનું છે કે, સ્વદેશી વૅક્સીન ડેવલોપમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવે. આ સાથે જ સુરક્ષા, ક્વૉલિટી અને નિયમોને જરૂર ધ્યાનમાં રાખવામાં આવે.

જણાવી દઈએ કે, ભારત બાયોટેકના COVAXINના ટ્રાયલ ઉપરાંત ઝાયડસ કેડિલાએ પણ COVID-19 માટે ડેવલપ કરવામાં આવી રહેલી વૅક્સીનના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ Covid-19 વૅક્સીનના ફેઝ 1 અને 2 હ્યુમન ટ્રાયલને શરૂ કરવા માટે ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને મંજૂરી આપી દીધી છે.

(12:35 pm IST)