Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજસ્થાન સરકારનો યુનિ.ની પરીક્ષા રદનો નિર્ણય વિદ્યાર્થીઓને ઉપલા વર્ષમાં પ્રમોટ કરાશે ઃ વિદ્યાર્થીઓનું નહિ બગડે વર્ષ

કોરોનાને લઇને ગેહલોત સરકારનો વિદ્યાર્થીના હિતમાં મોટો નિર્ણય

જયપુર: જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણને જોતા દેશની સ્કૂલો અને કૉલેજોમાં પરીક્ષાઓ યોજાઈ શકી નથી, ત્યારે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં ભવિષ્યને લઈને પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે. અનેક રાજ્યોમાં પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે અથવા તો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. આવા સમયે રાજસ્થાનની રાજ્ય સરકારે પણ વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે.

   રાજસ્થાનની ગેહલોત સરકારે કોરોના મહામારીના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે રાજ્યની તમામ યુનિવર્સિટી, કૉલેજો અને ટેક્નીકલ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષાઓ નહીં લેવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અશોક ગહલોતની અધ્યક્ષતામાં શનિવારે મુખ્યમંત્રી આવાસ પર એક હાઈલેવલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં CM ગહલોતે જણાવ્યું કે, “કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ગોની પરીક્ષાઓ નહીં કરાવવામાં આવે. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વિના આગામી વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે. આ પ્રમોટ થનારા વિદ્યાર્થીઓના માર્ક નક્કી કરવા સંદર્ભેમાં ભારત સરકારના HRD મિનિસ્ટ્રી દ્વારા આગામી થોડા સમયમાં જાહેર થનારી ગાઈડલાઈન્સનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.”

આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ શિક્ષા રાજ્ય મંત્રી ભંવરસિંહ ભાટી, ટેક્નીકલ શિક્ષા રાજ્ય મંત્રી સુભાષ ગર્ગ, મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપ, ઉચ્ચ શિક્ષા સચિવ શૂચિ શર્મા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

(12:34 pm IST)