Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

સૌરાષ્ટ્ર 'અનલોક' થતા જ કોવિડ ટેરરઃ પોઝીટીવ કેસમાં ૩૦૦ ટકાનો ઉછાળો

મેના અંત સુધીમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માત્ર ગણ્યાગાંઠયા કેસ હતા જ્યાં જૂનમાં કોરોનાના કેસોએ ધૂણવાનું શરૂ કર્યુઃ બોર્ડરો ખુલતા જ કેસ રોકેટગતિએ ઉછળ્યાઃ મોટાભાગના કેસની હિસ્ટ્રી હોટસ્પોટના ટ્રાવેલીંગ સાથે સંકળાયેલી : સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી જિલ્લાઓમાં હવે કોરોનાએ ઉપાડો શરૂ કર્યોઃ કેસની સંખ્યા-મૃત્યુઆંક વધી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૪ :. છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં 'કોવિડ ટેરર' જોવા મળી રહ્યો છે. જ્યારથી લોકડાઉન હળવુ કરવામાં આવ્યુ છે ત્યારથી સૌરાષ્ટ્રમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. માત્ર જૂન મહિનામાં જ કેસની સંખ્યામાં ૩૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. મેના અંતમાં માત્ર ૪૧૯ કેસ હતા જે જૂનના અંતે વધીને ૧૨૫૨ થઈ ગયા હતા. જ્યારે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં મૃત્યુના આંકમાં ૨૫૦ ટકાનો વધારો થઈ ૧૮થી વધી ૪૮ લોકોના મોત થયા છે.

૮મી જૂનના રોજ લોકડાઉનની અનેકવિધ રાહતો જાહેર કરવામાં આવી હતી. કર્ફયુના કલાકો પણ ૧૨ કલાકથી ઘટાડી ૮ કલાક કરવામાં આવ્યા હતા. મંદિરો, રેસ્ટોરન્ટ અને અન્ય સ્થળો શરૂ કરવા પરવાનગી આપવામાં આવી હતી. જો કે કેટલીક શરતોને આધીન મંજુરી હતી. જિલ્લાની સરહદો ખોલવામાં આવતા કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. સત્તાવાળાઓનું કહેવુ છે કે મહત્તમ નવા દર્દીઓ બહારથી આવ્યા છે અથવા તો બહાર જઈને પરત આવ્યા છે તેવા છે.

સુરેન્દ્રનગર કલેકટર કે.રાજેશનું કહેવુ છે કે અમારા જિલ્લામાં જૂનમા મોતનો આંકડો ૧ થી વધીને ૧૦ થયો હતો. જ્યારે કેસની સંખ્યા ૩૭થી વધીને ૧૪૪ની થઈ હતી. એક કેસ એવો હતો જેમાં પરિવારના સભ્યો અમદાવાદમાં લગ્ન કરી પાછા ફર્યા હતા જેમાં ૭ સભ્યોને કોરોના થઈ ગયો હતો.

અમરેલી કે જ્યાં સૌથી છેલ્લે પોઝીટીવ કેસ આવ્યા છે ત્યાં પણ હવે કેસમાં ઉછાળો આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલનુ કહેવુ છે કે સુરત અને અમદાવાદથી શ્રમિકો પરત આવતા અહીં કેસની સંખ્યામાં વધારો થયો છે. ૯૫ ટકા કેસમાં ટ્રાવેલ ડીસ્ટ્રી છે.

મહત્તમ કેસ અમરેલી શહેર, લાઠી અને સાવરકુંડલામાં નોંધાયા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં નહિવત કેસ બહાર આવ્યા છે તેમ તેમણે કહ્યુ હતું. અમરેલીમાં જૂનમાં ૧૦ ગણા કેસ વધ્યા. ૯થી વધી ૯૭ કેસ થયા. ૧લી જુને માત્ર ૧ મોત હતુ તેના બદલે ૧લી જુલાઈ સુધીમાં ૮ મોત થયા. એટલે કે મૃત્યુઆંકમાં ૮૦૦ ટકાનો વધારો થયો.

રાજકોટની વાત કરીએ તો કેસની સંખ્યા ૧૦૯થી વધુ ૨૭૫ની થઈ છે. મુખ્ય આરોગ્ય અધિકારી મિતેશ ભંડારીના જણાવ્યા પ્રમાણે ૫૦ ટકા દર્દીઓની હિસ્ટ્રી અમદાવાદ, મુંબઈ અને અન્ય સ્થળો સાથે સંકળાયેલી છે. મોટાભાગના બાકીના કેસો અન્ય દર્દીઓ બીજા લોકોના સંપર્કમાં આવ્યા હતા.

ભાવનગરમાં ૧લી જૂને ૧૧૩ કેસ હતા જે મહિનાના અંતે વધીને ૨૫૪ થયા છે. જ્યારે મૃત્યુનો આંકડો ૮થી વધીને ૧૩નો થયો છે. મુખ્ય આરોગ્ય અધિકારી અશ્વિન તવયારનું કહેવુ છે કે મોટાભાગના દર્દીઓ સુરત અને અમદાવાદથી આવ્યા છે અથવા તો ત્યાંના લોકોના સંપર્કમાં આવ્યા છે.

દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં પણ ૧લી જૂને ૦ મૃત્યુઆંક હતો પણ હવે બધે ૭ - ૭ લોકોના મોત નોંધાયા છે.

(12:00 am IST)