Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી ખાતેથી શુભારંભ કરાવશે : ભરત પંડ્યા : અમિત શાહ તેલંગાણામાં હાજર રહી સભ્ય અભિયાનનો આરંભ કરાવશે : ભાજપના કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ

અમદાવાદ,તા.૫ : ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભાજપાના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી આવતીકાલે આવતીકાલે તારીખ ૬ જુલાઇ ૨૦૧૯ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસથી વારાણસી ખાતેથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો શુભારંભ કરાવશે, જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેલંગાણા ખાતે ઉપસ્થિત રહી આ અભિયાનનો પ્રારંભ કરાવશે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપાના ૧ કરોડ ૧૩ લાખ પ્રાથમિક સદસ્યો છે. તેમાં કેન્દ્રની સૂચના પ્રમાણે ૨૦ ટકા વધારો કરવાનો હોય છે, પરંતુ ગુજરાત ભાજપાએ ૫૦ ટકા લક્ષ્યાંક સાથે આયોજન હાથ ધર્યુ છે. લોકસભામાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા અને કેન્દ્રમાં ભાજપાની સરકાર લાવવા ગુજરાતની જનતાએ ૨૬ લોકસભા બેઠકો ભાજપાને જીતાડી હતી. આશરે ૬૨ ટકા મત એટલે કે ૧ કરોડ ૮૦ લાખ મતો ભાજપાને મળ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને ભાજપા આ સદસ્યતા વૃધ્ધિ અભિયાન કરશે. આ અભિયાનને વધુ સર્વ વ્યાપી અને સર્વ સ્પર્ષી બનાવવા પાંચ પ્રકારે સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચલાવશે. વિચારવૃધ્ધિ-જેના હદયમાં દેશભક્તિ અને જનસેવા સમાયેલી છે. સામાજીક વૃધ્ધિ-દરેક જ્ઞાતિ અને સમાજને આવરી લઇને, વર્ગવૃધ્ધિ-દરેક પ્રકારના વ્યવસાયિક વર્ગને ધ્યાનમાં રાખીને, ભૌગોલિક વૃધ્ધિ-જ્યાં ભાજપાના ઓછા મત મળ્યા છે તેવા ભૌગોલિક ક્ષેત્રોને ધ્યાનમાં લઇને અને યુવાવૃધ્ધિ-સમગ્ર યુવા વર્ગને લક્ષ્યમાં લઇ ભાજપા ગુજરાત પાંચ પ્રકારનું અભિયાન હાથ ધરશે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર, સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય સહસંયોજક અરૂણ ચતુર્વેદી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ અને સદસ્યતા અભિયાનના ગુજરાત પ્રદેશ સંયોજક ભાર્ગવ ભટ્ટ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ કરાવશે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ભાવનગર શહેર ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા ખાતે ઉપસ્થિત રહી આ અભિયાનનો પ્રારંભ કરાવશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર સુરત શહેર ખાતે, કેસી પટેલ ગાંધીનગર શહેર ખાતે તથા શબ્દશરણ બ્રહ્મભટ્ટ પંચમહાલ ખાતે ઉપસ્થિત રહી આ સદસ્યતા અભિયાનનો વિધિવતરીતે પ્રારંભ કરાવશે. જ્યારે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા વડોદરા શહેર તથા પ્રદેશ મહામંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અમરેલી ખાતે ઉપસ્થિત રહેશે. આ સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ આઇકે જાડેજા સુરેન્દ્રનગર અને ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા રાજકોટ શહેર ખાતે ઉપસ્થિત રહેશે. દેશભરમાં યોજાનાર સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપાના તમામ મોરચાઓ, વિભાગો તથા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાશે. ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ભાજપામાં જોડાવવા માટે આપના મોબાઇલથી ૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે, જેમાં આપેલ લીંક પર ક્લીક કરવાથી ફોર્મ ખુલશે, જેમાં જરૂરી વિગતો ભરી સબમીટ કરવાથી કોઇપણ વ્યક્તિ ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકશે. જે લોકો પાસે સામાન્ય મોબાઇલ (સ્માર્ટ ફોન સિવાયનો) હોય તે લોકો ૮૯૮૦૭૮૯૮૦૭ નંબર પર પોતાનું નામ, સરનામુ જેવી વિગતો એસએમએસ દ્વારા મોકલીને પણ સભ્ય બની શકશે તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.

 

(8:06 pm IST)