Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અદાલતોમાં અટવાયેલા છે સાડા ત્રણ કરોડ કેસ

આર્થિક સર્વેમાં કોર્ટમાં રજાઓ ઘટાડવા અને જજો વધારવાની ભલામણ

નવી દિલ્હી, તા. પ : એક આર્થિક સર્વેમાં ન્યાયતંત્રની ઉત્પાદકતા વધારવા માટે અદાલતોમાં રજાઓ ઘટાડવા તથા ન્યાયધીશોની સંખ્યા વધારવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ નીચલી અદાલતો પર પણ વધારે ધયાન દેવાની જરૂરીયાત હોવાનું કહેવાયું છે. સર્વેમાં જણાવાયું છે કે હાલમાં ૩.પ કરોડ કેસો અદાલતોમાં ચાલી રહ્યા છે.

સર્વેમાં કહેવાયું છે ભારતમાં ધંધાની સુગમતા (ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ)માં અદાલતોમાં લાગતી વાર બહુ મોટી બાધારૂપ છે. અદાલતોમાં કામના દિવસ વધારવા બાબતે સર્વેમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટ વર્ષમાં ૧૯૦ દિવસ, હાઇકોર્ટ ર૩ર અને નીચલી કોર્ટો ર૪૪ દિવસ કામ કરે છે. નીચલી કોર્ટો સરકારી ઓફીસની જેમ છે પણ જો સુપ્રીમ અને હાઇકોર્ટમાં કામના દિવસો વધારવામાં આવે તો તેનાથી તે અદાલતોની ઉત્પાદકતા તો વધશે, પણ નીચલી કોર્ટોમાં કોઇ ફેર નહીં પડે કેમ કે નીચલી કોર્ટોમાં જ સૌથી વધારે કેસો પડેલા છે અને તે સરકારી ઓફીસોની જેમ જ ચાલે છે.

ર૦૧૯-ર૦ના આર્થિક સર્વે અનુસાર અદાલતોમાં અટવાયેલા મોટા ભાગના કેસ જીલ્લા અદાલતોના જ છે. જયારે યુપી, બિહાર અને ઓરીસ્સા એવા રાજયો છે જયાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.

સર્વેમાં કહેવાયું છે કે, કોર્ટમાં લાંબા સમય સુધી ચાલતા કેસોની આર્થિક ગતિવિધીઓ પર અસર પડી રહી છે. ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ રેન્કીંગમાં ર૦૧૮માં ભારત ૧૬૩માં નંબર પર છે જે એક વર્ષ પહેલા ૧૬૪માં નંબર પર હતો.

(4:10 pm IST)