Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

હવે આધારકાર્ડથી પણ આયકર રીટર્ન ભરી શકાશે

નાણામંત્રીનું એલાનઃ ઈન્કમટેક્ષ કે રીટર્ન ભરવા માટે પાનકાર્ડ જરૂરી નથી

નવી દિલ્હી, તા. ૫ :. નાણામંત્રી નિર્મલા સિતારામને પોતાના પહેલા બજેટમાં ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને ઘણી સરળ બનાવી દીધી છે. નાણામંત્રીએ એલાન કર્યુ છે કે આઈટીઆર ફાઈલ કરવા માટે હવે પાનકાર્ડની જરૂરીયાત નહિ રહે. પાનકાર્ડ અને આધારકાર્ડને ઈન્ટર ચેન્જેબલ બનાવી દેવામાં આવેલ છે. આઈટીઆર હવે આધાર કાર્ડ સાથે પણ ફાઈલ કરાવી દેવાશે.

નાણામંત્રીએ કહ્યુ હતુ કે, જો કોઈ વ્યકિત પાસે પાનકાર્ડ ન હોય તો તે આધારકાર્ડથી કામ ચલાવી શકે છે અને આધારકાર્ડ ઉપલબ્ધ ન હોય તો પાનકાર્ડથી કામ ચાલી શકે છે.

નાણામંત્રીએ કહ્યુ હતુ કે ૧૨૦ કરોડથી વધુ ભારતવાસીઓ પાસે આધારકાર્ડ છે. હું પ્રક્રિયાને સરળ બનાવવા માટે પાનકાર્ડ અને આધારકાર્ડને ઈન્ટર ચેન્જેબલ કરવાનો પ્રસ્તાવ રાખુ છું. જેમની પાસે પાનકાર્ડ નથી તેઓ રીટર્ન દાખલ કરવા માટે માત્ર આધારકાર્ડનો નંબર આપી શકે છે.

અત્યાર સુધી આઈટીઆર ફાઈલ કરવા માટે પાનકાર્ડ અનિવાર્ય હતુ. આધારકાર્ડનો ઉપયોગ હવે એ જગ્યાએ કરી શકાશે જ્યાં પાનની જરૂર હોય છે.

નાણામંત્રીનો આ ફેંસલો સરકારનું ટેક્ષ કલેકશન વધારવામાં મદદ મળશે. પાનકાર્ડ વગર પણ ઈન્કમટેક્ષ ભરી શકાશે. નાના શહેરોમાં રહેતા લોકો કે વેપારીઓ એવા છે જેમની પાસે પાનકાર્ડ ન હોવાથી તેઓ રીટર્ન ભરી શકતા નહોતા.

(3:43 pm IST)