Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મધ્યમ વર્ગને ડીંગોઃ શ્રીમંતો ઉપર કોરડો વિંઝાયોઃ ૩ થી ૭ ટકાનો સરચાર્જ

નાણામંત્રીએ શ્રીમંતો ઉપરનો સરચાર્જ વધાર્યોઃ ૫ કરોડથી વધુ આવકવાળાને વર્ષે ૭ ટકા અને ૨ થી ૫ કરોડની આવકવાળાને ૩ ટકા સરચાર્જ આપવો પડશે : બેન્કમાંથી ૧ કરોડની રોકડ ઉપાડવા પર બે ટકાનો ટીડીએસ આપવો પડશેઃ ઈન્કમટેક્ષમાં રાહત આપવાની મધ્યમવર્ગની આશાઓ પર પાણી ફરી વળ્યુઃ કોઈ મોટી રાહત નહિ

નવી દિલ્હી, તા. ૫ :. નાણામંત્રી નિર્મલા સિતારામને આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યુ. તેમણે શ્રીમંત લોકો પર ટેક્ષ વધારવાનું એલાન કર્યુ છે. બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની આવકવાળા લોકો પર ૩ ટકાનો સરચાર્જ તરીકે ટેક્ષ લાગશે જ્યારે ૫ કરોડથી વધુ આવકવાળા ઉપર ૭ ટકાનો સરચાર્જ લાગશે. સરકારનું પુરૂ ફોકસ હવે આવક મેળવવા તરફ છે તેથી શ્રીમંતો ઉપર વધારાનો ટેક્ષ એટલે સરચાર્જ લગાવવાનુ એલાન કર્યુ છે. નાણામંત્રીએ કહ્યુ છે કે અમીરો પર જે બોજો વધારાયો છે તે તેઓ સહન કરી શકશે.

તેમણે કહ્યુ હતુ કે દેશના વિકાસ માટે બે કરોડથી વધુ કમાનાર પર સરચાર્જ લગાવાશે. જેમની આવક વર્ષે બે કરોડથી પાંચ કરોડ હોય તેમના પર ત્રણ ટકાનો વધારાનો સરચાર્જ લગાવાયો છે. જયારે પાંચ કરોડથી વધુની આવક પર સાત ટકાનો સરચાર્જ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

જો કે મધ્યમ વર્ગને આયકરમાં કોઈ રાહત આપવામાં આવી નથી. આયકર સ્લેબમાં કોઈ ફેરફાર નથી થયો.

આ ઉપરાંત નાણામંત્રીએ કેશમાં બીઝનેશ પેમેન્ટને ઓછુ કરવા માટે ટીડીએસ લગાવવાનો ફેંસલો લીધો છે. બેન્કમાંથી ૧ કરોડ રૂપિયાના ઉપાડ પર બે ટકાનો ટેક્ષ આપવો પડશે. તેમના પ્રવચનમાં એક મોટી બાબત હતી. સરકારે મધ્યમવર્ગની આશાઓ ઉપર પાણી ફેરવી દીધુ છે. લોકોને આશા હતી કે બજેટમાં ઈન્કમટેક્ષની છૂટની સીમાને વર્તમાન ૨.૫૦ લાખથી વધારીને ૩ લાખ કરાશે પરંતુ સરકારે એ પણ કર્યુ નથી. એવુ પણ મનાતુ હતુ કે ઈન્કમટેક્ષની કલમ ૮૦-સી હેઠળ રોકાણ પર મળતી છૂટની સીમા દોઢ લાખથી વધારી બે લાખ કરાશે પરંતુ આવુ થયુ નથી.

(3:33 pm IST)