Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અધિકારીને બેટથી ફટકારનાર ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને પાર્ટીએ ફટકારી શો કોઝ નોટિસ

આકાશના આ કૃત્ય પર વડાપ્રધાન મોદીએ નારાજગી વ્યકત કરી હતી

નવીદિલ્હીઃ  ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને મધ્યપ્રદેશના ઇન્દોરના ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને પાર્ટીએ શો કોઝ નોટિસ ફટકારી છે. આ નોટિસ ઇન્દોર મહાપાલિકાના કર્મચારીઓની સાથે ગેરવર્તણુંક કરવા બદલ અને એક અધિકારીને બેટથી માર મારવાના બદલે આપવામાં આવી છે. આ પહેલા આકાશના આ કૃત્ય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યકત કરી હતી.

નગર નિગમના કર્મચારીને બેટથી મારનાર ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નોટિસ ફટકારી છે. આકાશને નોટિસ ભાજપ અનુશાસન સમિતીએ ઇશ્યું કરી છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં આકાશ વિજય વર્ગીયના મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે નારાજગી વ્યકત કરતા કહ્યું હતું કે, કોઇનો પુત્ર હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઇએ. જો કે વડાપ્રધાને આકાશ વિજય વર્ગીયનું નામ લેવાનું ટાળ્યું હતું.

 આ અંગે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું કે, પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયના મુદ્દે વડાપ્રધાન મોદી ખુબ જ નારાજ છે. તેમણે કહ્યું કે, આ પ્રકારે વ્યવહારને કયારે પણ સ્વીકારી શકાય નહી. પછી તે કોઇનો પણ પુત્ર હોય કે સાંસદ હોય. એવા લોકો પાર્ટીમાં ન હોવા જોઇએ. કોઇમાં અહંકાર ન હોવો જોઇએ અને અધિકારીઓ સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઇએ.

(11:26 am IST)