Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભારતમાં અંદાજે ૧૬ કરોડ લોકો કરે છે દારૂનું સેવન

ગાંજા અને અફીણનું સેવન કરનારાંઓની સંખ્યા અનુક્રમે ૩.૧ કરોડ અને ૭૭ લાખ જેટલી છે

નવી દિલ્હી, તા.પઃ ભારતમાં અંદાજે ૧૬ કરોડ કરતા પણ વધુ લોકો દારૂનું સેવન કરે છે તો ગાંજા અને અફીણનું સેવન કરનારાંઓ ત્યાર પછીના સ્થાને છે એવી માહિતી ગુરુવારે રાજયસભામાં આપવામાં આવી હતી.

સામાજિક ન્યાય અને સશકિતકરણ ખાતાના પ્રધાન થાવરચંદ ગેહલોતે કહ્યું હતું કે ભારતમાં અંદાજે ૧૬ કરોડ કરતા પણ વધુ લોકો દારૂનું સેવન કરે છે તો ગાંજા અને અફીણનું સેવન કરનારાંઓની સંખ્યા અનુક્રમે ૩.૧ કરોડ અને ૭૭ લાખ જેટલી છે. આમાંથી ૫.૭ કરોડ લોકો દારૂનાં, ૭૨ લાખ લોકો ગાંજાનાં અને ૭૭ લાખ લોકો અફીણના બંધાણી છે અને તેમને મદદની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. આ તારણો વર્ષ ૨૦૧૮માં સામાજિક ન્યાય અને સશકિતકરણ ખાતા દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વેક્ષણનો હિસ્સો હોવાનું તેમણે કહ્યું હતું. ભારતમાં મોટા પ્રમાણમાં લોકો નશીલા પદાર્થોનાં બંધાણી હોવાનું આ અહેવાલ સ્થાપિત કરે છે અને વધુને વધુ યુવાનો આ દૂષણનો ભોગ બની રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. ૧૦થી ૭૫ વર્ષની વયજૂથના ૧.૧૮ કરોડ લોકો ઘેનની દવા લે છે અને ૭૭ લાખ લોકો નાક વાટે નશીલા પદાર્થોનું સેવન કરે છે. બાળકો અને યુવકોમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

દેશના ૩૬ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લઈ આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર (એનડીડીટીસી), ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ), અન્ય ૧૦ તબીબી સંસ્થા અને ૧૫ એનજીઓએ સાથે મળીને આ સર્વેક્ષણ હાથ ધર્યું હતું.

સર્વેક્ષણ દરમિયાન દેશના ૧૮૬ જિલ્લામાં બે લાખ ઘરની મુલાકાત લઈ ૪,૭૩,૫૬૯ વ્યકિતના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.(૨૩.૩)

(9:50 am IST)