Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મહિન્‍દ્રા કંપની ટૂંક સમયમાં જાવા નામના મોટરસાઇકલને લોન્ચ કરશે

નવી દિલ્હીઃ મહિન્દ્રા જલદી પોતાના રેટ્રો સ્ટાઈલ મોર્ડન જાવા રેન્જ મોટરસાઈકલને લોન્ચ કરશે. ભારતીય બજારમાં તેના લોન્ચિંગને લઈને ખુદ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જણાવ્યું છે કે જાવા મોટરસાઈકલને આ વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

જાવા બ્રાન્ડની બાઈક્સને ક્યારે અને ક્યાં લોન્ચ કરવામાં આવશે તે અંગેની કોઈ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને એ વાત કન્ફર્મ કરી છે કે બાઈક જલદી ભારતના રસ્તા પર દોડતી જોવા મળશે. જાવા મોટરસાઈકલમાં મહિન્દ્રા મોજોનું એન્જિન લેવામાં આવશે. Mahindra Mojo કંપનીની ઓછી વેચાતી પ્રીમિયમ ટુરિંગ મોટરસાઈકલ છે.

મહિન્દ્રા મોજોમાં 292cc, 4 સ્ટોક, સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ, ફ્યુઅલ ઈન્જેક્ટેડ એન્જિન છે. આ એન્જિન વધારેમાં વધારે 27bhp પાવર અને 30 ન્યુટન મીટર ટાર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ છે.

મહિન્દ્રા આ રેટ્રો સ્ટાઈલ મોટરસાઈકલથી Royal Enfield ને સીધી ટક્કર આપવાના મૂડમાં છે. રોયલ એનફીલ્ડ દેશમાં સૌથી વધારે રેટ્રો મોટરસાઈકલ વેચનારી કંપની છે. પ્રીમિયમ મોટરસાઈકલ સેગમેન્ટમાં Royal Enfield ભારતમાં લીડર છે. Classic 350 બુલેટને સૌથી વધુ લોકો ખરીદે છે. ભારતમાં તેની ઓનરોડ કિંમત 1.44 લાખ રુપિયા છે.

રોયલ એનફીલ્ડની સફળતાને જોતા મહિન્દ્રાને આ સેગમેન્ટમાં નફાની આશા છે અને હવે કંપની જાવા મોટરસાઈકલ દ્વારા પડકાર આપશે. જણાવી દઈએ કે ભારતમાં જાવા બાઈક્સનું પ્રોડક્શન 1960માં શરુ થયું અને 1974 સુધી ચાલ્યું. આ પછી અહીં તેનું નામ યઝદી કરી દેવામાં આવ્યું હતું.

(6:09 pm IST)