Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કર્ણાટક : ખેડૂતોનું ૨-૨ લાખનું દેવુ માફ : ૩૪૦૦૦ કરોડ ખર્ચાશે

બજેટ રજુ કરતા કુમાર સ્વામી : પેટ્રોલ - ડિઝલમાં ભાવવધારો : વિજળી પણ મોંઘી

બેંગ્લુરૂ તા. ૫ : અનેક દિવસોની ખેંચતાણ બાદ કર્ણાટકમાં બનેલી કોંગ્રેસ અને જનતા દળની ગઠબંધન સરકારે મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ વિધાનસભામાં ૨૦૧૮-૧૯ માટે બજેટ રજુ કર્યું છે. આશા પર ખરા ઉતરીને સીએમે બજેટમાં ચુંટણીના વાયદાને કેટલીક હદ સુધી પૂર્ણ કર્યો અને ૨ લાખ કે તેથી ઓછી લોન આપતા ખેડૂતોનું દેવું માફ કરવાનું એલાન કર્યું છે. સીએમે લોન માફી માટે ૩૪ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવાનું એલાન કર્યું છે. જો કે આ રાહતની સાથે જ પેટ્રોલ - ડીઝલ અને વિજળીની કિંમત વધવાથી ખેડૂતોની સાથે સામાન્ય પ્રજા માટે ચિંતા સમાન છે.  અહેવાલના જણાવ્યા મુજબ કુમાર સ્વામીએ ૨,૧૩,૭૩૪ કરોડના બજેટનું એલાન કરીને કહ્યું કે, તેઓ સિધ્ધારમૈયા સરકારની દરેક યોજનાઓ ચાલુ રાખશે. સર્વિસ અને એગ્રીકલ્ચર સેકટર પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

તેમણે બજેટમાં જાણકારી આપી હતી કે, વર્ષ ૨૦૧૬-૧૭માં વૃદ્ઘિ દર ૭.૫નો હતો, જે ૨૦૧૭-૧૮માં વધીને ૮.૫ ટકા પર પહોંચી ગયો હતો. સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું દેવું માફ કરવા ઉપર હતી. તેમણે ભરોસો આપવાની કોશિશ કરી હતી કે, ચૂંટણી ઢંઢેરોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પુરા કરવા માટે સરકાર પ્રતિબદ્ઘ છે. ખેડૂતોને નવી લોન લેવામાં મદદ કરવા માટે સરકાર ડિફોલ્ટિંગ એકાઉન્ટ્સમાંથી એરિયર ખતમ કરી નાખશે, જેનાથી કિલયરન્સ સર્ટિફિકેટ સરળતાથી મળી શકે. તેના માટે ૬૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પહેલા ચરણમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધી લીધેલા દેવા માફ કરવામાં આવશે. જે ખેડૂતોએ પોતાની સમય મર્યાદાની અંદર લોન ચૂકવી દીધી છે, તેમને પ્રોત્સાહન રૂપે ચૂકવેલી રકમના ૨૫,૦૦૦ જે પણ ઓછા થયા છે, તે સરકાર ચૂકવશે.સરકારે એક બાજુ ખેડૂતોનું દેવું માફ કરીને તેમને ખુશ કરવાની કોશિશ કરી, ત્યારે બીજી બાજુ પેટ્રોલ, ડિઝલ અને વિજળીના ભાવ વધારીને તેમને થનાર ફાયદા પર સવાલ ઉભા કરી દીધા છે. બજેટમાં પેટ્રોલના ભાવ ૧.૧૪ પ્રતિલીટર, ડીઝલ ૧.૧૨ પ્રતિલીટર અને વિજળીના ભાવમાં ૨૦ પૈસા વધારો કરવામાં આવ્યો છે.

(4:50 pm IST)