Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ટેક્ષ રીકવરીમાં આયકર આકરાપાણીએઃ ૨૦૧૭-૧૮માં ૧ લાખ કરોડની વસુલાત

આવક વેરા વિભાગ સતત દોડતુ રહ્યુઃ બાકીદારો સામે કોર્ટમાં કેસ કર્યા, સંપત્તિઓ વેંચી અને ધડાધડ નોટીસો ફટકારી વસુલાતમાં રેકોર્ડ નોંધાવ્યોઃ ટેક્ષ નહીં ભરતી કંપનીઓનું નાક દબાવ્યું: ડાયરેકટરોની જવાબદારી ફીકસ કરીઃ કોર્ટમાં રેકોર્ડબ્રેક ૪૫૨૭ કેસ નોંધાવ્યાઃ અમુક બીનપરંપરાગત પગલાઓ પણ લીધા

નવી દિલ્હી, તા. ૫ :. આયકર વિભાગે ૨૦૧૭-૧૮માં રેકોર્ડબ્રેક ૧ લાખ કરોડ રૂપિયાની રીકવરી કરી છે જે ગયા નાણાકીય વર્ષના કુલ પ્રત્યક્ષ કર કલેકશનના ૧૦ ટકા છે. આયકર વિભાગે સંપત્તિઓને સીલ કરવા, વહેંચવા સહિતના પગલાઓ લીધા જેનાથી કેરીયર્સ અને ટેકસ રીકવરીમાં ૩૩ ટકાનો વધારો થયો કે જે સૌથી ઉંચો હતો. વર્ષ ૨૦૧૬-૧૭માં રીકવરીનો ગ્રોથ ૧૦ ટકા રહી રૂ. ૭૫૦ અબજ થયો હતો. આયકર વિભાગે પડતર ટેકસ વસુલવા માટે સ્થાવર અને જંગમ મિલ્કતોનું પહેલીવાર વહેંચાણ કર્યુ અને જે લોકો ટેકસ નથી ભરતા તેમની સામે કેસ પણ નોંધ્યા હતા. સાથોસાથ આયકર વિભાગે કર નહી ભરતી કંપનીઓના ડાયરેકટરોને નોટીસ મોકલી ટેકસની માંગણી કરી ચુકવવા માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા.

આયકર વિભાગના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં રીકવરીનું મોટુ યોગદાન રહ્યુ હતું. કોર્ટમાં ફરીયાદ, સંપત્તિઓનું વેચાણ અને દોષ સિદ્ધ કરવા પર ભાર મુકવામાં આવતા વસુલાત વધી હતી. આ માટે અમે અનેક બીનપરંપરાગત પગલાઓ પણ લીધા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં પણ આ બાબતે ધ્યાન આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યુ હતુ કે, રીકવરી માટે અમે ૧૫ જેટલી સંપત્તિઓનું વેચાણ પણ કર્યુ હતું.

કર નહી ભરનાર વિરૂદ્ધ વિભાગે કલમ ૨૭૬ સી-૨ હેઠળ કેસ નોંધવા ઉપર પણ ભાર મુકયો હતો. આ દરમિયાન કોર્ટમાં ૪૫૨૭ કેસ નોંધવામાં આવ્યા હતા જે કોઈપણ વર્ષમાં સૌથી વધુ હતા. આ મામલામાં દોષીત થવા અંગેનો દર પણ ૩૨૫ ટકા વધ્યો હતો. આ પહેલાના વર્ષમાં ૧૬ કેસમાં બાકીદારને દોષીત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૧૭-૧૮મા ૬૮ કેસમાં ફેંસલો વિભાગના પક્ષમાં આવ્યો હતો. એક અધિકારીએ કહ્યુ હતુ કે આની સાથોસાથ અમે કેસના ઝડપી નિપટારા માટે કોર્ટ સાથે સમન્વય પણ કર્યો હતો. ૧ લાખ કરોડની વસુલાતમાં ૬૦૦ અબજ રૂ. પાછલુ બાકી હતુ અને ૪૦૦ અબજ રૂ.ની નવી માંગણી કરવામાં આવી હતી.(૨-૫)

(4:31 pm IST)