Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ધોધમાર વરસાદના કારણે અમરનાથ શ્રદ્ધાળુ પરેશાન

શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી ન મળી : અમરનાથ ગુફા તરફ દોરી જતા બાલટાલ અને પહેલગામ બન્ને રસ્તાને બંધ કરવાની ફરજ પડી : રિપોર્ટમાં ઘટસ્ફોટ

શ્રીનગર,તા. ૫ : વાર્ષિક અમરનાથ યાત્રા ભારે વરસાદના કારણે સતત રોકવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે બાલટાલ અને પહેલગામ રસ્તાથી અમરનાથ યાત્રાને બંધ કરી દેવામાં આવી છે. ગઇકાલે બુધવારના દિવસે ભેખડો  ધસી પડવાની અનેક ઘટના બની હતી. યાત્રાને ખરાબ હવામાન અને વરસાદના કારણે રોકી દેવામાં આવતા શ્રદ્ધાળુઓ પરેશાન દેખાઇ રહ્યા છે. અમરનાથ શ્રદ્ધાળુઓ માટે  છેલ્લે ૫૩૮૨ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરવામાં આવ્યો હતો.  કાશ્મીર ખીણમાં અધિકારીઓએ ખરાબ હવામાન હોવાના લીધે યાત્રાને રોકી દીધી છે. પોલીસે કહ્યું છે કે, બાલતાલ અને પહેલગામ બંને બેઝકેમ્પ ખાતે યાત્રા રોકી દેવામાં આવી છે. બીજી બાજુ ૫૩૮૨ શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતીનગર નિવાસથી રવાના થઇ ચુક્યા છે. ૨૦૩૦ જેટલા શ્રદ્ધાળુઓ પહેલગામ અને ૧૬૭૮ શ્રદ્ધાળુ બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ખરાબ હવામાનના લીધે અમરનાથ યાત્રીઓ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બંને માર્ગો ઉપર રસ્તા ખરાબ થઇ ગયા છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે.

૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન અમરનાથ  યાત્રાને રોકવામાં આવી હતી. ખરાબ હવામાનના લીધે પહેલા દિવસે માત્ર ૧૦૦૭ શ્રદ્ધાળુ પવિત્ર ગુફામાં બનનાર શિવલિંગના દર્શન કરી શક્યા હતા. હજુ સુધી ૫૪૮૩૩ શ્રદ્ધાળુ અમરનાથની યાત્રા કરી ચુક્યા છે. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. ૨૬મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે.

(12:41 pm IST)