Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ઉત્તર પ્રદેશમાં ફરી વર્ચસ્વ જમાવવા માટે પ્રોજેકટ 'શકિત'નો પાયો નાખતા રાહુલ

રાષ્ટ્રીય પ્રમુખે કોંગ્રેસની શકિત આમ જનતા અને કાર્યકરો હોવાનું જણાવ્યું: આ પ્રોજેકટ દ્વારા કાર્યકર સીધી હાઈકમાન્ડ સમક્ષ પોતાની વાત રાખી શકશે

અમેઠી, તા. ૫ :. પોતાના લોકસભા મત વિસ્તાર અમેઠીના બે દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતવાના મનસુબા સાથે ઉત્તર પ્રદેશમાં પ્રોજેકટ શકિતને લોંચ કરી હતી તેમણે આ તકે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીની શકિત આમ જનતા અને પાર્ટી કાર્યકરો છે. આ પ્રોજેકટના કારણે પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હાઈકમાન્ડ સમક્ષ પોતાની વાત રાખી શકશે.

યુપીના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ સમયે આગામી ૨૦૧૯ની ચૂંટણીમાં યુપીમાં કોંગ્રેસના પ્રદર્શનને સુધારવા માટે તેમણે અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી પ્રોજેકટ શકિતનો પણ પાયો નાખ્યો હતો.

રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે કાર્યકરો અને નેતાઓ વચ્ચેના અંતરને દૂર કરવા માટે પ્રોજેકટ શકિતને લોન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આ પ્રોજેકટને સફળતાપૂર્વક લોન્ચ કરી કોંગ્રેસે સારૂ પ્રદર્શન કર્યુ છે.
રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં આ પ્રોજેકટના માધ્યમથી કોંગ્રેસે બે લાખ કાર્યકરોને કોંગ્રેસ સાથે નજીકથી જોડયા હતા.

પ્રોજેકટ શકિતને લોન્ચ કરતી વેળાએ રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે હાલ પ્રોજેકટ શકિત કોંગ્રેસના કાર્યકરો માટે જાહેર કરાયો છે, બાદમાં આમજનતા માટે પણ આ પ્રોજેકટ લંબાવાશે.

આગામી લોકસભાનો ચૂંટણી જંગ કોંગ્રેસ પાર્ટીએ લોકો સાથે મળીને લડવાનો છે. ખરેખર તો રાહુલ ગાંધી આ પ્રોજેકટના આધારે પાર્ટીના કાર્યકરો અને નેતાઓ વચ્ચેનું અંતર ઓછુ કરવાનો છે અને જેના આધારે પાર્ટીને ઉત્તર પ્રદેશમાં મજબૂત કરવાનો ઈરાદો છે.

જો કે ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનમાં કોંગ્રેસને વધુ બેઠકો મળવાની સંભાવના નથી જેથી પાર્ટી પોતાની રીતે પોતાની તાકાત પર ચૂંટણી લડશે.(૨-૨)

(11:36 am IST)