Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

નેનોનો મૃત્યુઘંટ ? જૂનમાં ટાટાએ બનાવી માત્ર એક કાર

૨૦૦૯માં લોન્ચ થઇ હતી નેનો : જૂનમાં માત્ર ૩ જ નેનો વેચાઇ : નેનોને શરૂઆતથી જ પડી મુશ્કેલીઓ

નવી દિલ્હી તા. ૫ : શું એક સમયે ભારતના મધ્યમ વર્ગને સૌથી સસ્તી કારના માલિક બનાવવાના સપના બતાવનારી નેનો હવે ઈતિહાસ બની જશે? આ સવાલ એટલે ઊભો થઈ રહ્યો છે કે જૂનમાં ટાટાએ માત્ર એક નેનો કાર બનાવી છે. જોકે, કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, નેનોનું ઉત્પાદન બંધ કરવા માટે હજુ કોઈ નિર્ણય લીધો નથી. રતન ટાટાની બ્રેઈન ચાઈલ્ડ નેનો આજે આ બંધ થવાના મુકામે પહોંચી ચૂકી છે. જયારે કે તેના લોન્ચિંગ સમયે ટાટાએ કહ્યું હતું કે, તે દ્વિચક્રી વાહનો પર ચાલનારા પરિવારોને વધુ સુરક્ષિત અને સસ્તી કાર આપી રહ્યા છે.

ગત મહિને સ્થાનિક બજારમાં માત્ર ૩ નેનો જ વેચાઈ હતી. ટાટા મોટર્સ તરફથી ફાઈલ કરાયેલી રેગ્યુલેટરી મુજબ આ વર્ષે જૂનમાં એક પણ નેનોનો નિકાસ નથી કરાયો. ગત વર્ષે જૂન મહિનામાં ૨૫ નેનો દેશની બહાર મોકલવામાં આવી હતી. ઉત્પાદનની વાત કરીએ તો આ વર્ષે જૂનમાં જયાં એક યુનિટ નેનો બની, તો ગત વર્ષે આ મહિનામાં ૨૭૫ યુનિટ નેનો વેચાઈ હતી. સ્થાનિક બજારમાં ગત વર્ષે જૂન મહિનામાં ૧૬૭ નેનો કાર વેચાઈ હતી. આ વર્ષે આ આંકડો માત્ર ૩ કારનો રહ્યો.

શું કંપની કારનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે, એમ પૂછવા પર ટાટા મોટર્સના પ્રવકતાએ કહ્યું કે, 'અમે જાણીએ છીએ કે વર્તમાન માળખામાં નેનો ૨૦૧૯ બાદ ચાલુ રહી શકે તેમ નથી. અમારે નવા રોકાણની જરૂરત પડી શકે છે. આ સંબંધમાં હજુ કોઈ નિર્ણય નથી લેવાયો.' તેમણે કહ્યું કે, આ દરમિયાન મહત્વના માર્કેટ્સમાં ગ્રાહકોની માગને પૂરી કરવા માટે નેનોનું પ્રોડકશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, નેનોને સૌથી પહેલા જાન્યુઆરી ૨૦૦૮ના ઓટો એકસ્પોમાં સામે લવાઈ હતી. ત્યારે તેને લઈને એટલી આશાઓ હતી કે નેનોને મધ્યમ વર્ગની કાર જણાવાઈ. માર્ચ ૨૦૦૯માં બેઝિક મોડલના લગભગ એક લાખ રૂપિયાની કિંમતની સાથે નેનોને લોન્ચ કરાઈ. વધુ પડતર હોવા છતાં કિંમતને લઈને કરાયેલા આ નિર્ણય પર રતન ટાટાએ ત્યારે કહ્યું હતું કે, 'વચન, વચન હોય છે.'

જોકે, નેનોના મુહુર્તમાં જ ગરબડ થઈ ગઈ અને બાદમાં પણ સમસ્યાઓ સતત આવતી રહી. શરૂઆતમાં પશ્વિમ બંગાળના સિંગૂરમાં ટાટા મોટર્સના પ્રસ્તાવિત પ્લાન્ટમાંથી નેનોનું ઉત્પાદન થવાનું હતું, પરંતુ ત્યાં જમીન સંપાદનને લઈને રાજકીય અને ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. તે પછી કપનીએ નેનોનું પ્રોડકશન ગુજરાતના સાણંદમાં નવા પ્લાન્ટમાં શિફટ કરવું પડ્યું. રતન ટાટાએ પણ બાદમાં કહેવું પડ્યું કે, કંપનીએ સૌથી સસ્તી કાર તરીકે નેનોનો પ્રચાર કરીને ભૂલ કરી.

નેનો ટાટા મોટર્સ માટે ઝડપથી ખોટનો સોદો બની ગઈ. ટાટા સન્સના એકસ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ પણ ખોટમાં રહેતી નેનોની જાહેરમાં ટીકા કરી અને દાવો કર્યો કે, તેનાથી ૧૦૦૦ કરોડનું નુકસાન થયું. મિ સ્ત્રી કે જેમને ટાટા સન્સે પદ પરથી હટાવતા ઘણો વિવાદ થયો હતો, તેમણે દાવો કર્યો કે, ભાવનાત્મક કારણોથી ટાટાએ નેનોનું ઉત્પાદન બંધ ન કર્યું.(૨૧.૭)

 

(10:19 am IST)