Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કેરલના કોચ્ચિનો રસપ્રદ કિસ્સો

પોપટની ચતુરાઇથી પોલીસ પકડી પાડયા ચોર!

કોચી તા. ૫ : તમે અવારનવાર પોપટને અવાજની નકલ કરતા તો સાંભળ્યા જ હશે પણ શું કોઈ પોપટ ચાલાક ચોરોને પોલીસ સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે? સાંભળીને જરૂર નવાઈ લાગશે પણ આવી રસપ્રદ ઘટના કેરલના કોચ્ચિમાં બની છે. અહીં એક આફ્રિકન ગ્રે પેરોટ (આફ્રિકન પોપટ)એ પોલીસને મદદ કરતા ચોરોને પકડાવી દીધા.

કોચ્ચિના કલૂર વિસ્તારમાં રહેનારા સતીશ પાળતુ પશુ-પક્ષીઓની દુકાન ચલાવે છે. શનિવારે તેમની દુકાનમાં રાખે લા બે આફ્રિકન ગ્રે પેરોટ્સ, એક પર્સિયન બિલાડી અને બે કોકટેલ પક્ષી ગાયબ હતા. આ અંગે સતીશે પોલીસને જાણકારી આપી. ત્યારબાદ તેની દુકાન પર પોલીસે સ્થિતિની તપાસ કરી અને સીસીટીવી કેમેરા પણ ચકાસ્યા.

પોલીસ હજુ ઘટનાની તપાસમાં જોતરાયેલી હતી એવામાં કલૂરની પાસે એલમ્માકારાથી આવેલા કેટલાક સ્થાનીક લોકોએ ગૂંચણવ ઉકેલી દીધી. આ લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી ગાયબ થયેલા પોપટો વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે, પોપટ કોઈ બાળકની જેમ રડીને સતીષ અને સંધ્યા એમ બે નામ પોકાર્યા. અહીંથી પોલીસને ચોર વિશે કલૂ મળી ગયા.

ત્યારબાદ કોચ્ચિ પોલીસ તે સ્થળે પહોંચી ગઈ અને પોપટોની શોધખોળ ચાલુ કરી. પોલીસ જાણી ચૂકી હતી કે, પોપટ પોતાની દુકાનના માલિક અને તેની પત્નીના નામ લઈ રહ્યાં હતા. ત્યારબાદ પોલીસ એલમ્માકારાના એક ઘરમાંથી ત્રણ લોકોને પકડી પાડ્યા. સાથે જ આ ઘરમાંથી પર્સિયન કેટ અને કોકટેલ બર્ડ્સ પણ મળી આવ્યા. આ ઘટનાની વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ છે.(૨૧.૮)

 

(10:18 am IST)