Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મુસ્લિમ સમાજની મહિલાઓને પણ હવે મૌલવી બનવાનો અધિકાર મળશે

મદ્રેસાઓ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

કાનપુર તા. ૫ : મુસ્લિમ સમાજની છોકરીઓને પણ હવે સમાજમાં બરોબરીનો અધિકાર આપવા માટે મદરેસાઓ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં છોકરીઓને પણ મૌલવી બનવાનો હક મળશે. આ માટે દેશભરના બરેલવી મદરેસાના સંચાલકોએ કરેલા નિર્ણય મુજબ દરેક જિલ્લામાં વધુ ને વધુ ગર્લ્સ મદરેસા શરૂ કરવામાં આવશે અને તેમાં ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરાવાશે, જેમાં તેમને આલિમ, ફાજિલ, કામિલ જેવી ડિગ્રી આપવામાં આવશે.

કાનપુરના ગદિયાનામાં છોકરીઓ માટે અલ જામિયા અશરફુલ બનાત નિસવા નામથી મદરેસા સ્થાપિત કરવામાં આવી છે.

આ જ પ્રકારના અન્ય ગર્લ્સ મદરેસા જિલ્લામાં શરૂ કરી કુરાન, હદીસ, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ અને અરબી ભાષામાં શિક્ષણ આપવામાં આવશે. આ અંગેનો કોર્સ પૂરો થઈ ગયા બાદ છોકરીઓને મદરેસામાં શિક્ષિકા તરીકે નોકરી આપવાનું આયોજન પણ હાલ થઈ રહ્યું છે, જેમાં શરિયત સાથે સંકળાયેલા કોઈ પણ મુદા પર તે તેમની દલીલ કે રજૂઆત અથવા વિચારો રજૂ કરી શકશે. આ ઉપરાંત આવી છોકરીઓને એવી પણ મંજૂરી આપવામાં આવશે કે જેમાં તે તેમના ઘરે પણ ગર્લ્સ મદરેસા શરૂ કરી શકશે.

આ માટે છોકરીઓને ભણવાનો કોર્સ છે તેમાં મૌલવી માટે ચાર વર્ષ, મુફતી માટે ચાર વર્ષ, આલિમ માટે સાત વર્ષ, ફાજિલ માટે આઠ વર્ષ અને કામિલ માટે નવ વર્ષનો કોર્સ પૂરો કરવાનો રહેશે, જોકે છોકરાઓ માટે આલિમનો કોર્સ નવ વર્ષનો છે.

બાકીના અન્ય કોર્સ છોકરીઓની જેમ સમાન રહેશે. આ અંગે અલ જામિયા અશરફુલ બનાત નિસવાના ડાયરેકટર મૌલાના હાશિમ અશરફીએ જણાવ્યુ કે એક શિક્ષિત છોકરી તેના સમગિર પરિવારનું નામ ઉજાળી શકે છે.(૨૧.૫)

(10:14 am IST)